જામનગર શહેરમાં હર્ષદ મિલની ચાલી, મહાવીરનગર, મહાવીર એપાર્ટમેન્ટની ગટરની કૂંડીમાંથી ત્યજી દીધેલી હાલતમાં બાળક મળી આવતાં ચકચાર મચી હતી. આ અંગે અજાણી મહિલા સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સીસીટીવી તપાસવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી, મહાવીરનગરના મહાવીર એપાર્ટમેન્ટની ગટરની કૂંડીમાં તા. 12ના સાંજના સમયે બાળકનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટના સામે આવતાં વિસ્તારમાં લોકોના ટોળાં એકઠાં થયા હતાં. એપાર્ટમેન્ટમાં રહેતાં નીતિનભાઇ ડાયાભાઇ વાઘેલાને આ ઘટના ઘ્યાને આવતાં જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પીએસઆઇ ડી. જી. રામાનુજ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા કૂંડીમાંથી બાળકના મૃતદેહને બહાર કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવ અંગે નીતિનભાઇ ડાયાભાઇ વાઘેલા દ્વારા અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાવાતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસ દ્વારા બાળકને કોણે અને કયા સંજોગોમાં ત્યજી દીધું? સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના પગલે નિર્દય જનેતા પર લોકોમાં રોષની લાગણી છવાઇ હતી.


