જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને જુદા-જુદા છ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા અવાર-નવાર રૂપિયાની ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપતા વેપારીએ વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ શેરી નંબર-58મા કૃષ્ણકોલોની શેરી નંબર-3 ની સામે આવેલા પુષ્પમ એપાર્ટમેન્ટમાં રહેતાં રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા (ઉ.વ.52) નામના બ્રાસપાર્ટના વેપારીએ તેના ધંધાના વિકાસ માટે માર્ચ-2024 દરમિયાન અમિત બાબુ ભાનુશાળી પાસેથી રૂા.2 લાખ વ્યાજે લીધા હતાં અને આ રકમની સામે વેપારીએ રૂા.5,40,000 ચૂકવ્યા હતાં તથા પ્રકાશ કટારમલ પાસેથી રૂા.2,75,000 લીધા હતાં. જેની સામે વેપારીએ છ લાખ ચૂકવ્યા હતાં તથા વસંત ભાનુશાળી પાસેથી રૂા.1 લાખની રકમ લીધી હતી તે પેેટે રૂા.3,60,000 ચૂકવ્યા હતાં અને શૈલેષ ઉર્ફે ભી પાસેથી રૂા.25,000 લીધા હતાં. તે પેટે રૂા.32000 ચૂકવ્યા હતાં.
તેમજ રવિ મહાજન પાસેથી વેપારી રાજેશભાઈએ રૂ.70000 ની રકમ વ્યાજે લીધી હતી તે પેટે રૂા.4,50,000 ચૂકવ્યા હતાં. અને સુમિત ચાંદ્રા પાસેથી રૂા.30000 ની રકમ લીધી હતી જે પેટે રૂા.1,20,000 ચૂકવ્યા હતાં. આમ વેપારી દ્વારા જુદા જુદા છ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ કરતા પણ વધારે વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરો એ વેપારી પાસે અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી હતી તેમજ અમિત બાબુ તથા શૈેલેષ ઉર્ફે ભીખા નામના બે વ્યાજખોરોેએ વેપારી રાજેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વેપારી દ્વારા છ વ્યાજખોરો સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એલ. કે. જાદવ તથા સ્ટાફે છ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.