કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં વરસાદ ખેંચાત ખેતીનો પાક નિષ્ફળ જવાની ચિંતામાં વૃદ્ધ ખેડૂતે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ વરસ્યો છે જ્યારે જિલ્લાના અમુક તાલુકાઓમાં સરેરાશ વરસાદ વરસી ગયો છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં તથા કાલાવડ, લાલપુરના ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ તોળાઈ રહી છે ત્યારે કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં ગાગજીભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉ.વ.65) નામના વૃદ્ધે તેના ખેતરમાં વાવેલો પાક ઓછા વરસાદને કારણે નિષ્ફળ જવાની ચિંતામાં રહેતાં હતાં અને પાક નિષ્ફળ જવાની ચિંતામાં જ ખેડૂત વૃધ્ધે ગત્ તા.10ના રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ખેડૂતને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


