ઈસ્લામ ધર્મમાં મહોરમનો પવિત્ર મહિનો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે શહીદ થનાર હઝરત ઈમામ હુશેનની યાદમાં મનાવવામાં આવે છે. મહોરમ પર્વમાં તકરીર, ન્યાઝ અને તાજિયા કાઢી માતમ મનાવવામાં આવે છે. જામનગર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર તકરીર અને ન્યાઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને જામનગરના તાજિયા વિશ્વવિખ્યાત છે. જામનગરમાં કલાત્મક આકર્ષક અને રંગબેરંગી તાજિયા બનાવવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો દ્વારા માતમના આ પર્વની ઉજવણીમાં ગતરાત્રિના તાજિયા પડમાં આવ્યાં હતાં અને શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયાની ઉજવણી દરમિયાન ઢોલના તાલે પરંપરાગત ધમાલ લેવામાં આવી હતી અને આ ધમાલ નિહાળવા મુસ્લિમ તથા હિન્દુ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ગત રાત્રિના તાજિયા નિયત રૂટ પર ફરીને ટાઢા થશે. આજે યોમે આશુરાનો દિવસ છે. અને તાજીયા ટાઢા થવાની સાથે માતમના પર્વ મહોરમ માસની પૂર્ણાહુતિ થશે. જામનગરના બેડીના વિશ્વ વિખ્યાત કલાત્મક તાજીયા નિહાળવા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.