Monday, May 10, 2021
Homeરાજ્યજામનગરહે ભગવાન…! જામનગરમાં આવતા પાંચ દિવસમાં આવનારા 1500 કોરોના પેશન્ટનું શું થશે...

હે ભગવાન…! જામનગરમાં આવતા પાંચ દિવસમાં આવનારા 1500 કોરોના પેશન્ટનું શું થશે ?

હવે ખરા અર્થમાં જરૂર છે યુદ્ધના ધોરણની કાર્યવાહીની

- Advertisement -

જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે આજે બુધવારે સાંજે સોશિયલ મીડિયાના માઘ્યમથી પત્રકારોને જાણ કરી છે કે, જામનગરની 1450 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે. આગામી પાંચ દિવસ સુધી નવા એક પણ દર્દીને બેડ ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. તંત્ર દ્વારા બેડ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા પત્રકારોને આપવામાં આવેલી આ માહિતી અત્યંત ગંભીર છે. આવનારા દિવસોમાં ઉભી થનારી વિકટ પરિસ્થિતિ તરફ અંગુલી નિર્દેશ કરી રહી છે. આ જાણકારીનો સૂચિતાર્થ એ છે કે, આગામી પાંચ દિવસમાં આવનારા સંભવિત 1500 કોરોના દર્દીઓનું શું થશે ? કલેકટરની આ જાણકારીએ કેટલાંક ગંભીર પ્રશ્ર્નો ઉભા કરવા સાથે ચિંતાની લાગણી પણ જનમાવી છે. અમારો આશય લોકોને ડરાવવાનો કે ભયભીત કરવાનો નથી. પરંતુ સ્થિતિથી વાકેફ કરવાનો છે. કેમ કે છેલ્લાં એક સપ્તાહથી જામનગર શહેર અને જિલ્લામાં દરરોજ સરેરાશ 300 જેટલા કોરોનાના નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. જે અનુસાર આગામી પાંચ દિવસમાં 1500 જેટલા દર્દીઓનો ઉમેરો થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.

- Advertisement -

જામનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં હાલ અમેરિકા અને યુરોપના દેશો જેવી ભયંકર સ્થિતિ નિર્માણ પામી છે. જે ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. તે ગતિએ સુવિધાઓ ઉભી કરવામાં તંત્રો વામણા પુરવાર થઇ રહ્યા છે. વધારવામાં આવતી દરેક સુવિધાઓ ઓછી પડવા લાગી છે. જામનગરની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હજુ સપ્તાહ પહેલા જ વધારાના 250 બેડની સુવિધા ઉમેરવામાં આવી હતી. આમ હોસ્પિટલમાં 1450 બેડની સુવિધા હોવા છતાં આ સુવિધાઓ પણ જવાબ દઇ ગઇ છે. આવી જ સ્થિતિ ખાનગી હોસ્પિટલોની પણ જોવા મળી રહી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં તબીબી સુવિધાઓ અને સારવાર પણ ઉચ્ચકક્ષાની આપવામાં આવતી હોવાને કારણે માત્ર જામનગર જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાઓ જેવા કે મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદરના દર્દીઓ પણ કોરોનાની સારવાર માટે આશાભરી દ્રષ્ટી લઇને જામનગર આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં આવતા દર્દીઓ અને જામનગર જિલ્લાના મોટી સંખ્યામાં નવા કેસને કારણે આ સૌથી મોટી હોસ્પિટલ પરનું ભારણ પણ ખુબ જ વધી ગયું છે. જેને કારણે આજે હોસ્પિટલમાં એલામીંગ સ્થિતિનું નિર્માણ થયું છે. જેનો ચિતાર આપવાની કલેકટરને ફરજ પડી છે. જિલ્લા કલેકટરે ભલે સીધે સીધું એમ ન કહ્યું હોય કે હવે કોઇ દર્દીઓને જામનગર લાવવા નહીં પરંતુ મીડિયાને જાણકારી આપવા પાછળનું આશય આવો જ રહેલો છે.

માત્ર જામનગર જિલ્લાની વાત કરીએ તો, છેલ્લાં 24 કલાકમાં જી.જી.હોસ્પિટલમાંથી સાજા થયેલા કુલ 173 દર્દીઓને રજા આપવામાં આવી છે. જે સામે નવા 308 કોરોના પોઝિટીવ કેસનો ઉમેરો થયો છે. ત્યારે માત્ર જામનગર જિલ્લાના દર્દીઓને જ સમાવવાનો પ્રશ્ર્ન ઉભો થયો છે. તો અન્ય જિલ્લાના લોકોને કેવી રીતે સમાવી શકાશે. જિલ્લા કલેકટર દ્વારા વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. અને આ માટે પાંચેક દિવસનો સમય પણ લાગી શકે તેમ છે ત્યારે એ નથી જણાવવમાં આવ્યું કે આગામી પાંચ દિવસમાં આવનારા દર્દીઓનું શું થશે ? તેઓને કઇ જગ્યાએ ? કેવી રીતે સારવાર આપવામાં આવશે. હોસ્પિટલ પાસે આ માટેના પર્યાપ્ત સંસાધનો છે કે કેમ ? દવાઓ અને ઓકિસજન સપ્લાય ઉપલબ્ધ છે કે કેમ ? હોસ્પિટલમાં દાખલ તેમજ નવા આવનાર દર્દીઓની સારવાર માટે તબીબી, નર્સીંગ તેમજ અન્ય આનુસાંગીક સ્ટાફની ઉપલબ્ધતા કેટલી છે તેણી જાણકારી પણ આપવામાં આવી નથી. આવા અનેક પ્રશ્ર્નો લોકોમાં કોરોનાની વિકરાળતાને લઇને આશંકા જનમાવી રહ્યા છે. જામનગરમાં હવે ખરા અર્થમાં યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાની તાતી આવશ્યકતા ઉભી થઇ હોય તેવું ચિત્ર ઉપશ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular