મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને રેગિંગ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જામનગરમાં ‘નમો મૈત્રી સંવાદ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓને સમજવાનો અને તેમને માનસિક રીતે મજબૂત બનાવવાનો છે.

મેડિકલ કોલેજોમાં ડીન અને મેનેજમેન્ટ સ્તરે વિવિધ સહાયકારી વ્યવસ્થાઓ કાર્યરત છે, પરંતુ સરકાર વતી મંત્રી કક્ષાએથી વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરવાનો આ પ્રથમ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ સમસ્યા કે તણાવમાં એકલા ન હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
View this post on Instagram
વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવા, આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડાવા તેમજ ભગવદ્ ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારીને તણાવમુક્ત અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી.
મેડિકલ કોલેજોમાં રેગિંગની વધતી ફરિયાદોને લઈને સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રેગિંગ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે નિયમો મુજબ કડક સજાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જો કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સજા કરવાનો નહીં પરંતુ વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા, સંવાદ અને પરસ્પર આદરનું વાતાવરણ ઊભું કરવાનો છે. માનવતાવાદી અભિગમ અને સકારાત્મક સંવાદ દ્વારા રેગિંગ જેવી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
જામનગરથી શરૂ થયેલો ‘નમો મૈત્રી સંવાદ’ કાર્યક્રમ આગામી સમયમાં ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં વિસ્તૃત કરવામાં આવશે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને ભયમુક્ત, તણાવમુક્ત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ પહેલને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


