જામનગર મહાનગરપાલિકા દ્વારા કાલાવડ નાકા બહાર વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ થતાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહેલીસવારથી જ દસ જેસીબી, પાંચ ટ્રેકટર સહિતના સાધનોની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં ચોમાસામાં થતાં વરસાદના પાણીના નિકાલ માટેના રસ્તામાં ઘણા વર્ષોથી અસંખ્ય ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે. ચોામાસાના વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના નેજા હેઠળ એસ્ટેટ શાખા, વોટર વર્કસ, ટી.પી.ઓ., પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ, લાઇટ શાખા અને સોલિડ વેસ્ટ વિભાગએ સાથે રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના કાલાવડ નાકા બહાર આવેલા 94 જેટલા ગેરકાયદેસર દબાણકારોને દબાણો દૂર કરવાની નોટીસ ફટકારી હતી. ત્યારબાદ આ ગેરકાયદેસર દબાણોની જગ્યા ખાલી કરી દેવામાં આવતાં આજે વહેલીસવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નદીના નવનિર્માણ અને પૂર નિયંત્રણ યોજના હેઠળ મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમ્યાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાની કાયમી સમસ્યાના ઉકેલ માટે પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પાડતોડ કામગીરી બાદ છ કરોડથી વધુની કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે. આ પાડતોડ કામગીરી માટે 10 જેસીબી, પાંચ ટ્રેકટર સહિતના મશીનો દ્વારા પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી.