Friday, September 13, 2024
Homeરાજ્યગુજરાતઆજથી ગુજરાત ગજાવશે મોદી

આજથી ગુજરાત ગજાવશે મોદી

બે દિવસમાં કુલ 6 જાહેર સભા સંબોધશે : આજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ : ગુજરાતની સ્થિતિ અંગે પ્રદેશ નેતાઓ સાથે કરશે ચર્ચા : આવતીકાલે સાંજે જામનગરમાં જાહેર સભા

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચાર માટે તેઓ બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્ર્વાસ માટેની જાહેરસભાઓ કરશે. રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ પહેલાં વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. પહેલી મેના રોજ બપોરે 2.30 કલાકે તેઓ ઉત્તર ગુજરાતમાં ડીસા અને ત્યારબાદ સાંજે 4.15 કલાકે હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધન કરશે. ચૂંટણીની આચાર સંહિતા હોવાથી તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રાખવામાં આવ્યું છે. આ રોકાણ દરમ્યાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે તેવું માનવામાં આવે છે. વડાપ્રધાન રજી મેના રોજ મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10.00 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. અગાઉ નક્કી થયા પ્રમાણે મોદી 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા.પરંતુ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મોદીના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. જામનગરમાં તેમની છેલ્લી સભા છે જે પૂરી કરીને દિલ્હી રવાના થશે. વિશ્ર્વસનિય સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા ફરીથી છઠ્ઠી મેની રાત્રીએ ગુજરાત આવશે.ક્ષત્રિય સમાજના આંદોલન અને વિરોધ વચ્ચે વડાપ્રધાનના આ પ્રવાસ પર બધાંની નજર મંડરાયેલી છે. જો કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાનની સભાઓને સ્થળે કોઈપણ જાતના વિરોધ કાર્યક્રમ કે આંદોલન નહીં કરવાનું સમાજના યુવાનો અને મહિલાઓને એલાન કર્યું છે. ભાજપના પ્રદેશ નેતાઓએ પણ છેલ્લી ઘડીએ સમાધાનના પ્રયાસ કરવાનું ચાલુ રાખ્યું છે. નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીલક્ષી મુલાકાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં આવતી લોકસભા બેઠકોને આવરી લેશે. આ સાથે તેઓ વિધાનસભાની પાંચ પૈકી ચાર પેટાચૂંટણીઓના વિસ્તારને પણ કવર કરશે. જિલ્લાઓના તેમના પ્રવાસ દરમ્યાન કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ, ચૂંટણીની સલામતી માટે ખડકેલી રિઝર્વ પોલીસ ઉપરાંત રાજ્ય પોલીસના હજારો જવાનો જાહેરસભાના સ્થળે ખડેપગે સુરક્ષા બંદોબસ્ત જાળવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular