Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરબાળકો-માતા-પિતા માટે વેકેશન બોજ નહીં, મોજ બને તેવું કરીએ

બાળકો-માતા-પિતા માટે વેકેશન બોજ નહીં, મોજ બને તેવું કરીએ

સ્વીમીંગ, પૌરાણિક રમતો, ડાયરી લખવા, આપણી સંસ્કૃતિનું માર્ગદર્શન જેવી પ્રવૃત્તિ કરાવવી: બાળકોને મોબાઇલ, ટીવીની દુનિયાથી દૂર લઇ જઇ કઇંક નવું શિખવા પ્રેરિત કરીએ

સુચિત બારડ-જામનગર
ગરમી વધવાની સાથે વિદ્યાર્થીઓ માટે મોજ, મજા, મસ્તીના દિવસો પણ શરૂ થઇ ચૂકયાં છે. ઉનાળું વેકેશન વિદ્યાર્થીઓ માટે આનંદ કરવા અને મોજ, મજા માણવા માટેની ઉત્તમ તક હોય છે. વર્ષભર હોમવર્ક, પરિક્ષાઓ, શાળાના ટેન્શન બાદ ઉનાળુ વેકેશનમાં બાળકોને રાહત મળે છે. ઉનાળાની રજાઓ વર્ષમાં એકમાત્ર એવો સમય હોય છે જ્યારે બાળકો તેમના મનપસંદ શોખની પ્રવૃત્તિઓ સાથે મોજમજા કરે છે અને પ્રવૃત્તિઓમાં રૂચિ વધારી શકાય છે. વેકેશનમાં બાળકો હરવા, ફરવા માટે મામા, માસી, કાકા તથા ફૈઇના ઘરે રોકાવા, સમર કેમ્પ, કોમ્પ્યુટર કલાસીસ, ડ્રોઇંગ કલાસ સહિતની પ્રવૃત્તિઓ કરી શકે છે.

- Advertisement -

સામાન્ય રીતે બાળકોને હોમવર્ક, પરિક્ષાઓ, ટયુશન, શાળાઓ વગેરે કંટાળાજનક લાગતું હોય છે અને બાળકો ઉનાળુ વેકેશનની રાહ જોતા હોય છે. વર્ષ દરમ્યાન શિક્ષણના ભારમાંથી મુક્ત થઇ ઉનાળુ વેકેશનમાં મોજ, મજા કરતાં હોય છે. જ્યારે આ ઉનાળુ વેકેશનના દિવસો બાળકો અને તેમના માતા-પિતા બન્ને માટે બોજ નહીં, મોજ બને તો આ સમય યાદગાર બની જાય. વેકેશનમાં ક્યારેક બાળકોની તોફાન મસ્તી માતા-પિતા માટે બોજ બની જતી હોય છે. જ્યારે બીજી તરફ વેકેશનની શરૂઆતમાં શાળાએ જઇ તેમના મિત્રોને મળવા આતૂર હોય છે.

આજના આ ડિજિટલ યુગમાં બાળકો પોતાના નાનપણ અને બાલ્યાવસ્થામાં રમાતી રમતોને વિસરતા જાય છે. બાળકો મોબાઇલમાં રચ્યા પચ્યા રહેતાં હોય છે. જે અનેક સમસ્યાઓ નોતરે છે. ત્યારે વેકેશનમાં બાળકોને મોબાઇલની દુનિયાથી દૂર લઇ જઇ પ્રકૃતિ અને આજુબાજુના અલૌકિક વાતાવરણથી અવગત કરાવી પૌરાણિક રમતોથી બાળકોને પરીચિત કરાવવાનો આ સમય છે.

- Advertisement -

એક સમય હતો કે, વેકેશન પડતાંની સાથે જ બાળકો બેગ પેક કરી લેતાં અને મામા, માસી, કાકા કે ફઇબાના ઘરે પહોંચી જતાં. હવે સમય બદલાયો છે. બાળકો સમર કેમ્પમાં, નવા નવા કોર્ષ શિખવા કોચિંગ કલાસમાં પહોંચે છે. બાળકોમાં મોબાઇલનું વળગણ વધી ગયું છે. ત્યારે વેકેશનમાં માતા-પિતાએ તેમના બાળકો સાથે સમય વિતાવી તેમને હરવા ફરવા લઇ જવા અથવા ફરવા ન લઇ જાવ તો બાળકોના રમવાના સમયે બે-ચાર કલાક તેમની સાથે બેસો. વેકેશનમાં બાળક તોફાન કરે અથવા બહાર જવાની જીદ કરે તો બાળકને સ્માર્ટ ફોન, લેપટોપ કે કોમ્પ્યુટર પકડાવી દેવામાં આવે છે. જેથી તે શાંતિથી બેસી જાય. પરંતુ આ ટેવ આફતને આમંત્રણ આપી શકે છે.

- Advertisement -

વેકેશન દરમ્યાન બાળકો કંટાળે પણ નહીં તેમનું વેકેશન મોજ મસ્તી સાથે પસાર કરે અને મોજ મસ્તી સાથે નવું જ્ઞાન મેળવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓકરાવી શકાય.

વેકેશનમાં બાળકો તેમના ઘરની આજુબાજુમાં આવેલા વૃક્ષો અને છોડ વિષે માહિતી એકત્ર કરી શકે છે. તેમજ પાંદડાઓની છાપથી ચિત્રકામ કે કલાકૃતિ કરી શકે છે.

વેકેશનમાં બાળકો ઘર બેઠાં ઘરમાં પડેલી નકામી વસ્તુઓમાંથી સારી વસ્તુનું નિર્માણ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટનું નિર્માણ કરી શકીએ છીએ.

છોકરીઓ નેઇલ આર્ટ, બ્યુટી પાર્લર, મહેન્દી જેવી પ્રવૃત્તિઓનો કોર્ષ કરી આવી પ્રવૃત્તિઓ શીખી શકે છે.
બાળકોને ગમે તેવી સરળ વાનગી બનાવતા તેમને શિખવાડી શકાય અથવા મિલ્કશેક, જ્યુસ, સેન્ડવીચ, પાસ્તા, સલાડ જેવી તેમની મનગમતી વાનગીઓ તેઓ જાતે બનાવે તેવો પ્રયાસ કરવાથી તેઓ જવાબદારી અને સ્વતંત્રતા શિખી શકશે.

આખું વર્ષ બાળકો શાળાએ જવા વહેલાં ઉઠતાં હોય છે. તે ટેવ વેકેશનમાં પણ ચાલુ રખાવો. જેથી બાળકો સમયપાલનમાં જળવાયેલા રહેશે. આ ઉપરાંત ફિટનેશ જાળવવા યોગ, સાયકલીંગ સહિતની પ્રવૃત્તિઓ કરાવી શકાય.
ઉનાળાની ગરમી અને સાથે વેકેશન સ્વિમીંગ શિખવા માટેનો શ્રેષ્ઠ સમય બની શકે છે. આથી બાળકોને શિખવી શકાય છે. જેથી વર્ક આઉટની સાથે બાળકો મજા પણ માણી શકશે.

બાળકોને તેમના શોખ અને રૂચિ અનુસાર કલા, નૃત્ય, જુડો, કરાટે, સ્કેટિંગ, ગિટાર, તબલાં અન્ય વાજિંત્રો, ડ્રોઇંગ સહિતની પ્રવૃત્તિઓ કરાવી શકો છો.

બાળકો અત્યારે મોબાઇલમાં રમતો રમતાં હોય છે. આપણી પૌરાણિક રમતો પણ બાળકો મોબાઇલમાં રમતાં હોય છે. ત્યારે મોબાઇલની દુનિયા છોડી બાળકો આપણી પૌરાણિક રમતો જેવી કે, ગીલી દંડા, કેરમ, સાપસિડી, ઇસ્ટો, લુડો, ગલી ક્રિકેટ, સંતાકૂકડી, નારગોલ, પકડાપકડી, આંધળોપાટો સહિતની રમતોથી બાળકોને પરિચિત કરાવો. વનડે પિકનિક અથવા બોક્સ ક્રિકેટ સહિતના સ્થળોએ બાળકોને લઇ જઇ શકાય.

હાલમાં ગરમી વધી રહી છે તો ગરમીમાં બહાર નીકળવાથી બચવા મેદાની ગેમ્સને બદલે બોર્ડ ગેમ જેમ કે, ચેસ, વેપારી, બિઝનેસ વગેરે શિખવી શકાય.

બાળકોને આપણી પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવી શકાય. ભારતીય સિનેમામાં ઘણી એવી ફિલ્મો બનેલી છે જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. રામાયણ, મહાભારત, બાલગણેશ, શ્રીકૃષ્ણ વગેરે તેમાં સામેલ છે.બાળકોને નેચર અને એડવેન્ચર કેમ્પમાં પણ મોકલી શકાય છે. જેથી બાળકો હરવા ફરવાની સાથે સાથે સાહસિક પ્રવૃત્તિઓ કરી શકે. બાળકને કોઇ સારી બૂક રિડિંગ કરાવો અથવા બૂક રીડિંગ કરીને તેમને રસપ્રદ સ્ટોરી સંભળાવો. વાર્તાઓ, બાળગીતો સંભળાવો. બાળકોને ડાયરી લખવા પ્રેરણા આપો. જેનાથી બાળકો ક્રિએટિવ રાઇટીંગ શિખી શકે. બાળકોને રોજ સવારથી લઇને રાત સુધી જે કાંઇ પણ કરે તે લખવાનું શિખવો તેમજ કુટુંબના વડિલો પાસેથી તેમના બાળપણની વાતો, અનુભવો વિશે જાણીને પણ ડાયરીમાં લખી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular