Thursday, August 18, 2022
Homeરાજ્યજામનગરદ્વારકા જતાં હજારો પદયાત્રાળુઓને તમામ સુવિધા પૂરી પાડતા ખંભાળિયાના સેવા કેમ્પોનો અનેરો...

દ્વારકા જતાં હજારો પદયાત્રાળુઓને તમામ સુવિધા પૂરી પાડતા ખંભાળિયાના સેવા કેમ્પોનો અનેરો ધમધમાટ

ચા-પાણી, નાસ્તો, ભોજન, રાત્રીવાસો, તબીબી સારવાર સહિતની સેવાઓ દ્વારા પુણ્યનું ભાથુ બાંધતા અનેક સેવાભાવી કાર્યકરો

- Advertisement -

ઐતિહાસિક મહત્વ ધરાવતા શ્રીજીના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવને મનાવવા ચાલીને દ્વારકા જવા માટે હજારો યાત્રાળુઓ આસ્થાભેર નીકળી, ભગવાન દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા સાથે આસ્થા વ્યક્ત કરે છે. ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જ નહિ, પરંતુ હાલાર પંથક તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ખાતે ચાલીને ફૂલડોલ ઉત્સવ મનાવવા જાય છે. કોરોનાના કારણે બે વર્ષના વિરામ બાદ આ વર્ષે પરિસ્થિતિ હળવી થતાં પુનઃ દ્વારકાધીશના ભક્તો દ્વારકા ચાલીને જવા માટે પ્રયાણ કરી ચૂક્યા છે. આવા શ્રદ્ધાળુઓની સેવા કરી ખંભાળિયા ઉપરાંત અન્ય વિસ્તારના સેવાભાવી કાર્યકરો આસ્થા સાથે પુણ્યનું ભાથું બાંધે છે. પદયાત્રીઓની તમામ રીતે સેવા કરી અને અનેક લોકો કેમ્પ તથા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ તથા ખાદ્ય સામગ્રી આપી અને સેવાની જ્યોત અવિરત રીતે ચલાવે છે.

- Advertisement -

હોળી-ધુળેટીના દિવસોના દસથી બાર દિવસ પૂર્વે ખંભાળિયા પંથકમાંથી ચાલીને જતા પદયાત્રીઓ નીકળવાનું શરૂ થાય છે. જે હોળીના તહેવારના ત્રણેક દિવસ પૂર્વે સુધી યથાવત રીતે નીકળે છે. ખંભાળિયા શહેરની આજુબાજુ આશરે એક ડઝન જેટલા સેવા કેમ્પો ધમ-ધમે છે. આ કેમ્પમાં અવિરત રીતે ચા-પાણી, નાસ્તો, 24 કલાક જમવાનું ઉપરાંત આરામ કરવા, રાત્રી રોકાણ તેમજ ન્હાવા-ધોવાની સુવિધાઓ કેમ્પના સંચાલકો દ્વારા પ્રાપ્ય બનાવવામાં આવે છે. આટલું જ નહીં, કેટલાક કેમ્પમાં મસાજ, તબીબી સારવાર, ઉપરાંત થાકીને આવેલા યાત્રાળુઓની પગચંપી કરી આપવામાં આવે છે. આ તમામ સેવા માટે સેવાભાવી કાર્યકરો સાથે બહેનો પણ ખભે ખભા મિલાવીને જહેમત ઉઠાવે છે.

ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા દાતા ગામે આજથી આશરે અઢી દાયકા પૂર્વે ફક્ત ચા-પાણીથી શરૂ થયેલા પદયાત્રી કેમ્પમાં હાલ 24 કલાક ભોજન, ચા-પાણી તેમજ આરામ અને નહાવાની સુવિધાઓનો લાભ દર વર્ષે હજારોની સંખ્યામાં પદયાત્રીઓની લ્યે છે. હાલ હોળીના દિવસોને પાંચ દિવસનો સમય છે, ત્યારે દરરોજ અહીંથી 10 થી 15 હજાર જેટલા પદયાત્રીઓ સેવાભાવી કાર્યકરોની સેવા- ચાકરીથી સંતોષનો ઓડકાર લઈને દ્વારકા તરફ જવા પ્રયાણ કરે છે. દાતા ગામ તથા આસપાસના વિસ્તારના આશરે 30 થી 40 જેટલા યુવાનો ખડે પગે સેવા આપે છે. એટલું જ નહીં, બહેનો પણ પોતાના ઘરેથી રોટલા રાંધીને આ કેમ્પમાં પહોંચાડે છે. આ કેમ્પની સુવિધાનો લાભ લેવા સંઘના રૂપમાં દૂર-દૂરથી આવતા બે હજાર, ત્રણ હજારની સંખ્યા સુધીના પદયાત્રીઓની ટીમને અહીં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા હોંશભેર કાર્યકરો જહેમત ઉઠાવે છે.

- Advertisement -

આ માટે સેવાભાવી કાર્યકર મહાવીરસિંહ જાડેજા, જટુભા ઝાલા ધનાભાઈ ગઢવી, ભવુભા જાડેજા, દિલુભા ચુડાસમા, ખીમભાઈ ગઢવી, કિશોરભાઈ કણઝારિયા, રાજેન્દ્રસિંહ વાઢેર સહિતની ટીમ ખભે-ખભા મિલાવીને સેવાઓ કરે છે.
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર શહેરથી આશરે સાત કિલોમીટર દૂર ખોડીયાર માતાજીના મંદિર ખાતે છેલ્લા 22 વર્ષથી વધુ સમયથી ચાલતા સેવા કેમ્પમાં લોકો સેવા કરે છે. આ પંથકના સૌથી મોટા કેમ્પમાંના આ એક કેમ્પમાં હાલ દરરોજ આશરે 15 થી 20 હજારથી વધુ લોકો વિસામો, ભોજન તથા ફ્રેશ થવા સહિતની સુવિધાઓનો લાભ લઈ, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરે છે. અહીં મહત્વની સેવા તબીબી સારવાર અને મસાજ પણ છે.

આ કેમ્પમાં દિવુભાઈ સોની, અશોકભાઈ કાનાણી, ચંદુભાઈ ખત્રી, મહેન્દ્રસિંહ જાડેજા, મિત સવજાણી, શક્તિ ગઢવી, મેહુલ ગોર, દિલીપ ગોર, વિગેરે કાર્યકરો દિવસ રાત જોયા વગર સેવાઓ કરે છે. આ કેમ્પ માટે લાખો રૂપિયાનો ખર્ચ હોવા છતાં બહારની કોઈ વ્યક્તિનો ફાળો લેવામાં આવતો નથી.

- Advertisement -

આવા કેમ્પમાં તથા માર્ગમાં પદયાત્રીઓ જેમાં ખાસ કરીને મહિલાઓ રાસડે રમી કાળીયા ઠાકરની ધૂનમાં લીન બની જાય છે.

પદયાત્રીઓને અપાતી આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ફ્રુટ, ડ્રાય ફુટ…

વિવિધ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને તમામ સુખ-સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, જુદા જુદા વિસ્તારોમાંથી અનેક સેવાભાવી લોકો પોતાના ખાનગી મોટરકાર, જેવા વાહનો મારફતે રસ્તામાં જતા યાત્રીઓને આઈસક્રીમ, ડ્રાયફ્રુટ, લસ્સી, છાશ વિગેરેનું વિતરણ કરી, “જેવી શક્તિ, એવી ભક્તિ” નું સૂત્ર સાર્થક કરે છે. હાલ દરરોજ મોટી સંખ્યામાં સેવાભાવીઓ આ માર્ગ પર વિવિઘ પ્રકારની ખાદ્ય સામગ્રી તેમજ પીણાઓ આપી સેવાની જ્યોત જલાવી રાખે છે. અહીં સેવાભાવીઓ પ્રેમથી અને ભાવપૂર્વક યાત્રીઓને ભોજન- પીણાં પીરસે છે.

હાલ ખંભાળિયા પંથકમાં ધમધમતા કેેમ્પો મંગળવાર સુધી ચાલુ રહેશે. જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રી શ્રદ્ધાળુઓ સેવાનો લાભ લઈ, સંતોષની લાગણી અનુભવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular