જામનગર તાલુકાના સચાણા ગામમાં નાની ધાર વિસ્તારમાં રહેતાં યુવકને ગત તા.5 દિવસ પૂર્વે રાત્રિના સમયે તેના જ ગામમાં રહેતાં શખ્સે યુવકની તરૂણી બહેન ઉપર દુષ્કર્મ આચર્યાના બનાવમાં થયેલી ફરિયાદનો ખાર રાખી ઝાપટ મારી છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતી તરૂણી ઉપર બે વર્ષ અગાઉ તેના જ ગામમાં રહેતાં તૌસિફ સુલેમાન લાખા નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું અને આ દુષ્કર્મ આચર્યાના બનાવમાં ભોગ બનનારના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદનો ખાર રાખી ગત તા. 16 ના રોજ રાત્રિના સમયે સચાણા ગામમાં દરગાહ પાસે ઉર્ષના તહેવારમાં ભોગ બનનાર તરૂણીના ભાઇને તૌસિફ સુલેમાન લાખા નામના શખ્સે આંતરીને ઝાપટ મારી હતી અને છરી બતાવી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. માર મારી ધમકી આપ્યાના બનાવ અંગેની યુવક દ્વારા જાણ કરાતા હેકો એચ. વી. જાડેજા તથા સ્ટાફે તૌસિફ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.