જામનગર તાલુકાના હાપા ગામમાં સ્ટોક યાર્ડમાં બાઈક રાખવા બાબતે બે યુવાનો સાથે ત્રણ શખ્સોએ બોલાચાલી કરી અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેમાણા ગામનો વતની અને હાલ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતાં પ્રદિપસિંહ જાડેજા અને હિરેનભાઈ નાગર નામના બે યુવાનો ગત તા. 19 ના રોજ રાત્રિના સમયે હાપામાં કીયા સ્ટોક યાર્ડમાં હતાં તે દરમિયાન ફૈઝલ હનિફ ખફી નામના શખ્સે યાર્ડમાં બાઈક રાખવા બાબતે બંને વ્યકિતઓ સાથે બોલાચાલી કરી ગાળો કાઢી હતી. ત્યારબાદ ફૈઝલે બે વ્યક્તિઓને બોલાવી અને ત્રણ શખ્સોએ એકસંપ કરી પ્રદિપસિંહ તથા હિરેનને ગાળો કાઢી લોખંડના પાઇપ વડે તથા લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે પ્રદિપસિંહના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.