જામનગર તાલુકાના બેડ ગામે ફરજ બજાવતાં તલાટી મંત્રીની ફલ્લા ગામે બદલી થયા બાદ માત્ર બે જ વિવસમાં તેમને જામજોધપુર બદલી કરવામાં આવતાં આ નિર્ણય સામે જિલ્લા પંચાયત કર્મચારી મંડળ અને તલાટી મંડળના હોદેદારોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી ઘટતું કરવા માગણી કરી છે.
જામનગર તાલુકાના બેડ ગામે ફરજ બજાવતાં તલાટી મંત્રી સિધ્ધરાજસિંહ જાડેજાની જિલ્લા વિકાસ અધિકરી વિકલ્પ ભારદ્વાજ દ્વારા ફલ્લા ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યાં તલાટી મંત્રી હાજર થયા અને બે દિવસ કામગીરી કરી ત્યાં જ ફરી તેની બદલી જામજોધપુર તાલુકામાં કરી નાખવામાં આવી હતી. કર્મચારીએ હજૂ માંડ બે દિવસ ફરજ બજાવી અને કામગીરી કરે ન કરે ત્યાં કોઇ કારણ વગર તેમની બદલી કરી નાખવામાં આવતાં આશ્ર્ચર્ય સર્જાયું છે. આ મુદ્ે જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દિગુભા જાડેજા અને તલાટી મંડળના હોદ્ેદાર પરેશભાઇ પારગી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રુબરુ મળી આ સનિષ્ઠ કર્મચારીને ન્યાય અપાવવા માગણી કરી હતી. આ બદલી પાછળ રાજકારણી પ્રેરિત હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.