જામનગર શહેરમાં કાયમી, જીવલેણ અને માથાના દુ:ખાવારૂપ બની રહેલી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે તેમજ રખડતા ઢોરને નિયંત્રીત કરવા જામનગર મહાનગરપાલિકા રૂા. પોણા ચાર કરોડનું ખર્ચ કરશે. શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2024-2025 દરમિયાન રખડતા ઢોર નિયંત્રણ માટે આ ખર્ચને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 140 કરોડના જુદા જુદા વિકાસ ખર્ચને બહાલી આપવામાં આવી છે. જે મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન શહેરમાં જુદાં-જુદાં બે સ્થળોએ ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા પાણીના કૃત્રિમ કુંડ માટે જામ્યુકો તરફથી રૂા.24 લાખનું ખર્ચ કરવામાં આવ્યું છે. જેનેે સમિતિએ બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરના બહારના વિકસી રહેલા વિસ્તારોમાં આંતર માખળાકીય કામો સુચવવા રૂા.44 કરોડના ખર્ચને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શહેરી સડક યોજના અંતર્ગત વર્ષ 2024-2025 અંતર્ગત કુલ રૂા.79 કરોડના કામ સૂચવવા માટે પણ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
જામનગર સહિત રાજ્યમાં નલ સે જલ યોજનાની જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ તમામ વિસ્તારોને નલથી પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે જામનગર શહેરમાં સમર્પણ, બેડી અને મહાપ્રભુજીની બેઠક, ઈએસઆર હેઠળ આવતા વિસ્તારોમાં હજુપણ ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે કુલ 42 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. લાલપુર રોડ પર જીઆઈડીસી પ્લોટમાં ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ માટેના કવાર્ટર બનાવવા માટે 6.98 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે વિવાદાસ્પદ ભૂગર્ભ ગટરની સફાઈના કામ માટે શહેરમાં કુલ 5.60 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂગર્ભ ગટરની સફાઈના ટેન્ડરમાં થયેલા તોતિંગ વધારા અંગે અખબારોમાં અહેવાલો પ્રસિધ્ધ થયા હતાં. તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતાં. બેઠકમાં મેયર, વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઇ જાની, આસી. કમિશનર જીગ્નેશ નિર્મલ સહિતના અધિકારી ઉપસ્થિત રહયા હતાં.