સમગ્ર ગુજરાત જળમગ્ન બન્યું છે ત્યારે સમગ્ર હાલારમાં પણ સ્થિતિ વણસી રહી છે. દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, જામનગર જિલ્લો તેમજ જામનગર શહેરમાં પણ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે લોકોની વહારે હંમેશા મદદે દોડી આવતા હાલારના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડ. દ્વારા જરૂરિયાતમંદ લોકોને અન્નજળની પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી હતી. ભારેથી અતિભારે વરસાદની આપતિ ના સમયમાં કોઇપણ નાગરિક અન્નજળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે કોર્પોરેશન દ્વારા તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા કેટરીંગ એસોસિએશનના સહયોગથી તેમજ જામનગરના લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતા રીલાયન્સ ઇન્ડ.માં ધનરાજ નથવાણીના માર્ગદર્શનથી દેવભૂમિ દ્વારકામાં વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ માટે 10 હજાર ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતાં.
આ રાહત કાર્ય દરમિયાન સ્થળની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમે આ ઉત્તમ સેવાકાર્ય બદલ સર્વ સ્વયંસેવકોની જહેમતને બિરદાવી હતી.
જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ઘુસ્યા છે, અને અંતિમ ક્રિયા માટેની બંને ભઠ્ઠીઓને ભારે નુકસાની થઈ છે. એટલું જ માત્ર નહીં 1200 મણ લાકડું તણાઈ ગયું છે, અને દસ હજાર નંગ જેટલા છાણા પણ પલળી ગયા છે, સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા સાફ-સફાઈ કાર્ય હાથ ધરાયું છે.
જામનગરના માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગ્રહ કે જે નીચાણ વાળા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદના પુરનું સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, અને સમગ્ર પરિસર સરોવરમાં ફેરવાઈ ગયું છે.
સ્મશાન ની અંદર આવેલી બંને ભઠ્ઠીઓ કે જેમાં પાણી ભરાઈ ગયું હોવાના કારણે ભઠ્ઠીઓને ભારે નુકસાની થઈ છે. ઈલેક્ટ્રીક પેનલ સહિતની તમામ યંત્ર સામગ્રી પાણીમાં ગરકાવ થયેલી છે. સાથો સાથ લાકડું પણ તણાયું હોવાથી અને પાણી ભરેલા હોવાથી અગ્નિદાહની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી અટકી પડી છે.
ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા અંદાજે 1200 મણ લાકડું એકત્ર કરીને સંગ્રહ કરી લેવાયું હતું, પરંતુ પાણીના પ્રવાહમાં લાકડું તણાઈ ગયું છે. જેથી પણ ભારે નુકસાની થઈ છે. આ ઉપરાંત 10,000 નંગ છાણા એકત્ર કરીને એક રૂમમાં રખાયા હતા, પરંતુ તે તમામ છાણા પણ પલળી ગયા છે, જેથી હાલ લાકડા થી પણ અગ્નિદાહની પ્રક્રિયા અશક્ય બની છે.