Tuesday, September 27, 2022
Homeરાષ્ટ્રીય2047સુધીમાં ભારત એક વિકસિત દેશ : પ્રધાનમંત્રી મોદી

2047સુધીમાં ભારત એક વિકસિત દેશ : પ્રધાનમંત્રી મોદી

સતત નવમી વખત મોદીએ લાલકિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો

- Advertisement -

સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે 5 સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો હતો. તેમજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની નેમ વ્યકત કરી હતી. તેમણ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને એક નવું નામ પીએમ સમગ્ર સ્વાસ્થ્ય મિશનના વિસ્તારનો ઉલ્લેખ કરી ગાંધીજી, નેહરુજી અને સાવરકરને યાદ કર્યા હતા.

- Advertisement -

નારીશક્તિનાં સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારું દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં એકતા ત્યારે જ સ્થપાય છે જ્યારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ડર ઈક્વાલિટી એકતાની પ્રથમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ એકતાનો પ્રથમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જોઈએ. મારી એક પીડા છે, મારી અંદર એક દર્દ છે કે કોઈ ને કોઈ કારણે આપણી અંદર એક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે. એક પુણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવી તાકાત સાથે કદમ આગળ મૂકવાનો અવસર છે. આઝાદીના યુદ્ધમાં ગુલામીનો પૂરો સમય સંઘર્ષમાં વીત્યો છે. ભારતનો કોઈ ખૂણો એવો ન હતો કે જ્યારે દેશવાસીઓએ અનેક વર્ષો સુધી ગુલામી સામે યુદ્ધ ન કર્યું હોય, આહુતિ ન આપી હોય. આજે તમામ દેશવાસીઓ માટે આ મહાપુરુષોને નમન કરવાનો અવસર છે. તેમનું સ્મરણ કરી તેમનાં સપનાંને પૂરાં કરવાનો સંકલ્પ લેવાનો અવસર છે. આજે આપણે કૃતજ્ઞ છીએ પૂજ્ય બાપુના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકરના… તેમણે કર્તવ્યના માર્ગ પર જીવનને ખપાવી દીધું. આ દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક અલ્લા ખાં, રામ પ્રસાદ બિસ્મિલ. આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોના શાસનને હલાવી દીધું હતું.

- Advertisement -

પીએમ એ કહ્યું હતું કે જો આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણાં સપનાં દૂર થઈ જશે, તેથી ભલે આપણે ગમે તેટલા સંઘર્ષ કર્યો હોય છતાં આજે જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે હું લાલકિલ્લા પરથી 130 કરોડ લોકોને આહ્વાન કરું છું. મિત્રો, મને લાગે છે કે આવનારાં 25 વર્ષ સુધી પણ આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 2047માં આઝાદીનાં 100 વર્ષ થવાનાં છે, ત્યારે આઝાદીપ્રેમીઓનાં તમામ સપનાંને સાકાર કરવાની જવાબદારી આપણે લેવી પડશે, આગળ વધવું પડશે.

પાંચ સંકલ્પ :-

- Advertisement -

પ્રથમ સંકલ્પ: હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે વિકસિત ભારત.

બીજો સંકલ્પ: જો હજુ પણ આપણા મનમાં કોઈપણ ખૂણામાં ગુલામીનો એકપણ અંશ હોય તો તેને કોઈપણ સંજોગોમાં છોડવાનો નથી. હવે આપણે એમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે, જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.

ત્રીજો સંકલ્પ: આપણને આપણા વારસા પર ગર્વ હોવું જોઈએ. આ એ વારસો છે, જેણે એક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણને ગર્વ હોવું જોઈએ.

ચોથો સંકલ્પ: એકતા અને એકજૂથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ એ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.

પાંચમો સંકલ્પ: નાગરિકોની ફરજ, જેમાં પીએમ પણ બહાર નથી હોતા, સીએમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારાં 25 વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જ્યારે સપનાં મોટા હોય છે, જ્યારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular