જામનગર તાલુકાના ધુતારપર ગામમાં ચાલુ મકાનના કામ દરમ્યાન ડમ્પર પથ્થર ઠલાવવા આવ્યું હતું. આ ડમ્પર રિવર્સમાં લેતા સમયે સેફટી સોસના ખાડામાં પાછળનું પૈડું ખૂંચી જતાં એકસાઇડ નમી જવાથી પથ્થર ભરેલા ડમ્પરના ઠાઠાના ભાગ નીચે દબાઇ જતાં મકાનમાલિક પ્રૌઢનું મોત નિપજયાની ઘટનામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતાં અને ખેતી કરતાં જમનભાઇ બાવાભાઇ ચાંગાણી (ઉ.વ. 56) નામના પ્રૌઢ ખેડૂતનું જયપુર પ્લોટ વિસ્તારમાં આવેલા મકાનનું કામ ચાલુ હતું. દરમ્યાન સોમવારે સવારના સમયે એક ડમ્પર પથ્થર ભરીને ફેરો ઠાલવવા આવ્યું હતું. જેથી પ્રૌઢ જમનભાઇ ડમ્પરચાલકને ગાડી રિવર્સમાં લેવડાવવા માટે સાઇડ આપતાં હતાં. ત્યારે ડમ્પરનું પાછળનું વ્હીલ અચાનક સેફટી સોસના ખાડામાં આવી ગયું હતું. આથી પથ્થરથી ભરેલા ડમ્પરના ઠાઠાનો ભાગ એક તરફ નમી જતાં પાછળ ઉભેલા જમનભાઇ ઉપર પડતાં પ્રૌઢ ડમ્પરના ઠાઠામાં દબાઇ જવાથી શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતી હતી. ત્યારબાદ લોકો એકઠા થઇ ગયા હતા. ડમ્પર નીચેથી દબાઇ ગયેલા જમનભાઇને મહામહેનતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતા.
નવા મકાનના કામ ઉપર બનેલી ઘટનાથી પરિવાર હતપ્રભ થઇ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા જમનભાઇ ચાંગાણી નામના પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ભાવિકભાઇ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.