ડાયાબિટીસ જેવી જીવનશૈલી સંબંધિત બીમારીના કારણે આંખો પર થતી ગંભીર અસરો અંગે લોકોને જાગૃત કરવા માટે જામનગર ખાતે આયોજિત વિશેષ સેમિનારને નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. શહેરના ધનવંતરી હોલ ખાતે યોજાયેલા આ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, તબીબો, સામાજિક આગેવાનો, લાયન્સ ક્લબના સભ્યો તેમજ આયુર્વેદ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ અને અર્પણ મલ્ટી સ્પેશિયાલિટી આઈ કેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખબર ગુજરાત મીડિયા પાર્ટનર તરીકે જોડાતા આ આરોગ્યલક્ષી અભિયાનને વધુ વ્યાપકતા અને જનસમર્થન મળ્યું હતું.
કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આવા જનહિતના કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આરોગ્ય અંગેની યોગ્ય અને સમયસર માહિતી લોકો સુધી પહોંચે તે આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે.
સેમિનારમાં આંખના રોગોના નિષ્ણાત ડો. જીત ભાવેશ પટેલ દ્વારા ડાયાબિટીસના કારણે આંખના રેટિના પર થતી ગંભીર અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સરળ ભાષામાં સમજાવ્યું હતું કે ડાયાબિટીસ લાંબા સમય સુધી અનિયંત્રિત રહે તો આંખના પડદામાં નુકસાન પહોંચાડી શકે છે, જેને તબીબી ભાષામાં ‘ડાયાબિટિક રેટિનોપેથી’ તરીકે ઓળખવામાં આવે છે. સમયસર તપાસ અને સારવાર દ્વારા આ ગંભીર સમસ્યાથી બચી શકાય છે તે અંગે પણ તેમણે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
સેમિનારમાં ઉપસ્થિત લોકોને ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો, આંખની નિયમિત તપાસનું મહત્વ, આધુનિક સારવાર પદ્ધતિઓ તેમજ જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ નિષ્ણાતોને વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો મળતા લોકોને આરોગ્ય અંગેની અનેક ગેરસમજો દૂર થઈ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ અને આંખોના આરોગ્ય અંગે આ પ્રકારની વિગતવાર અને વૈજ્ઞાનિક માહિતી પ્રથમ વખત સાંભળવા મળી છે. ઉપયોગી માર્ગદર્શન મળતા તેમણે આયોજકો પ્રત્યે ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજમાં વધતા ડાયાબિટીસના પ્રમાણને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ લાવવી સમયની માંગ છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા અનેક લોકોને ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ મળી શકે છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરજીતસિંહ, લાયન્સ ક્લબના હોદ્દેદારો, ITRAના ડાયરેક્ટ પ્રો. ડો. તનુજા નેસરી તથા અધ્યાપકો, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના કાર્યકરો તેમજ અર્પણ હોસ્પિટલની ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ આયોજકોના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી સેમિનાર અને જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજવા અપીલ કરી હતી.
ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી સામે જાગૃતિ અને સમયસર સારવાર જ સૌથી અસરકારક હથિયાર છે તેવો મજબૂત સંદેશ આ સફળ સેમિનાર દ્વારા સમાજ સુધી પહોંચ્યો હતો.


