જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગોચરની જમીનમાં ખોદકામ કરવાની ના પાડતાં યુવાન ઉપર ચાર શખ્સોએ થાર ગાડીમાં આવી લાકડાંના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. સામાપક્ષે માટી ભરી ખાલી કરવા જતાં ટ્રકને રોકાવી, જેમ ફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની વળતી ફરિયાદના આધારે પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ગાગવા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને મજૂરીકામ કરતાં પ્રભાતસિંહ લખુભા જાડેજા (ઉ.વ. 40) નામના મજૂરીકામ કરતો યુવાન ગઇકાલે બપોરના સમયે ગામમાં દાળમા દાદાના મંદિર નજીક આવેલી ગોચરની જમીન પાસેથી પસાર થતાં આ જમીનમાં ખોદકામ ચાલુ હોવાથી પ્રભાતસિંહે અજિતસિંહને ખોદકામ કરવાની ના પાડી હતી. જેથી અજિતસિંહ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ થાર કારમાં આવી લાકડાંના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી પ્રભાતસિંહને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પ્રભાતસિંહ દ્વારા ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન સામાપક્ષે ભરતસિંહ દોલુભા જાડેજા (ઉ.વ.40) નામના યુવાન તેના જીજે10 ટીવાય 8836 નંબરના ટ્રકમાં મુંગણી ગામમાંથી માટી ભરી રિલાયન્સમાં ખાલી કરવા જતો હતો ત્યારે ગાગવા ગામ પાસે પ્રભાતસિંહ લખુભા જાડેજાએ ટ્રક રોકાવી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ભરતસિંહે ઝઘડાનું કારણ પૂછતાં પ્રભાતસિંહે લોખંડના પાઇપ વડે તથા ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગે ભરતસિંહ દ્વારા પ્રભાતસિંહ વિરૂદ્ધ સામી ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે હે.કો. ડી. જી. ઝાલા તથા સ્ટાફે સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.


