જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પાંચેક વર્ષ પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાનું લખાણ કર્યા બાદ પ્રેમીએ દગો આપી બીજે લગ્ન કરી નકકી કરતાં પ્રેમીકા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ગોપાલચોક વિસ્તારમાં રહેતા યોગીતાબા અજીતસિંહ રાઠોડ (ઉ.વ.26) નામના યુવતીને પાંચેક વર્ષથી જામનગર તાલુકાના ચંગા ગામના દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ચાવડા સાથે પ્રેમ સંબંધ હતો અને બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનું નકકી કર્યા બાદ લગ્ન કરવાનું લખાણ પણ કર્યુ હતું. જો કે, પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં પ્રેમીએ પ્રેમિકાને દગો આપી અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું નકકી કરી લીધું હતું. પ્રેમ પ્રકરણમાં પાંચ વર્ષ બાદ પ્રેમીએ દગો આપ્યાનું અને અન્ય યુવતી સાથે લગ્ન નકકી કર્યાનું જણાતા પ્રેમીકા યોગીતાબા અજીતસિંહ રાઠોડ એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા કુસુમબા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે મરી જવા મજબુર કરનાર પ્રેમી દિવ્યરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.