જામનગર શહેરના સનસીટી સોસાયટી વિસ્તારમાં આઠ માસ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ શ્રમિક યુવાન ઉપર તલવાર અને પાઈપ વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ બ્લોક નંબર 86 અને રૂમ નંબર 10માં રહેતાં જીતુભા વકતાજી જાડેજા નામના યુવાનને દિપુડો ઉર્ફે પોચો પરમાર નામના શખ્સ સાથે આઠ માસ પહેલાં થયેલી માથાકૂટની ફરિયાદ નોંધાવી હોય. જે બાબતનો ખાર રાખી શનિવારે બપોરના સમયે દિપુ ઉર્ફે પોચો પરમાર, કુલદિપ ઉર્ફે કુલી પરમાર, લાલો પરમાર અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી બે બાઈક પર આવીને જીતુભા ઉપર દિપુડાએ તલવાર વડે તથા લાલાએ પાઈપ વડે હુમલો કર્યો હતો અને જ્યારે અજાણ્યા શખ્સે ધોકો માર્યો હતો તેમજ કુલદિપ ઉર્ફે કુલીએ લોખંડના સળિયાના આડેધડ ઘા ઝીકી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.