જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં રાખેલી ચારેલી રેતી ભરી જવાની યુવાન દ્વારા ના પાડતા ચાર શખ્સોએ એકસંપ કરી લાકડી વડે યુવાન ભાઈઓ ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં રહેતાં મેસુરભાઈ રાજાભાઇ કોડીયાતરના ખેતરની બાજુમાં આવેલા વોંકળામાં રેતી ચારીને રાખી હતી. જે રેતી વિજય લાખા મુછાર નામનો શખ્સ ભરીને લઇ જતો હોવાથી મેસુરે રેતી લઇ જવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખી વિજય લાખા મુછાર, રામા લાખા મુછાર, મેહુર અરજણ મુછાર, કાના દેવા મુછાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી રવિવારે સવારના સમયે મેસુર તથા તેના પિતા રાજાભાઈ અને પુત્ર તથા ભાઈ સહિતના ચાર પરિવારજન ઉપર લાકડી વડે માર મારી હુમલો કર્યો હતો અને હુમલા બાદ યુવાનના પરિવારજનોને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામં આવ્યા હતાં જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એચ બી વડાવીયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.