પોરબંદરના એક લોહાણા વેપારી તેમજ સમગ્ર રઘુવંશી સમાજને બિભત્સ ગાળો કાઢી, ધમકી આપતા જામનગરના બેકરી સંચાલક સામે ખંભાળિયા શહેર તથા આસપાસના રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષ સાથે આજરોજ અહીંના પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે.
પોરબંદરમાં રહેતા અને અહીં જ એક બેકરીના ધરાવતા લોહાણા વેપારી યુવાન સાથે જામનગર ખાતે રહેતા એક બેકરીના માલિક દ્વારા પૈસાની લેતી-દેતી બાબતે સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે મોબાઈલમાં એલફેલ શબ્દો કહી અને ખૂબ જ અભદ્ર ભાષામાં વાતો કરતા હોવાનો કથિત ઓડિયો આગની જેમ વાઇરલ થઈ રહ્યો છે.
જામનગરના શખ્સ દ્વારા સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે તેમજ જ્ઞાતિના બહેન દીકરીઓ વિશે અભદ્ર ભાષામાં વાત કરી અને ગાળા ગાળી કરતાં આ કથિત વિડીયો સંદર્ભે ખંભાળિયાના રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર રઘુવંશી સમાજને અપમાનિત કરતા આ ઓડિયો સંદર્ભે અહીંના રઘુવંશી જ્ઞાતિના વિવિધ મંડળો એકત્ર થયા હતા અને આ મુદ્દે ઉગ્ર વિરોધ સાથે સેવાભાવી એવા રઘુવંશી યુવા ગ્રુપ વતી હાર્દિક સુભાષભાઈ મોટાણી દ્વારા અહીંના પોલીસ મથકમાં ઉપરોક્ત મુદ્દે સવિસ્તૃત લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે. આ ફરિયાદ અરજીમાં બેફામ વાણી-વિલાસ કરી અને એલફેલ બોલતા જામનગરની બેકરીના સંચાલક સામે તાત્કાલિક અસરથી ધોરણસર ફરિયાદ દાખલ કરી, કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆત દરમિયાન ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના યુવાનો, આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આટલું જ નહીં, જે-તે બેકરીના ઉત્પાદનનો પણ બોયકોટ કરવા અને તેની પ્રોડક્ટ ન ખરીદવા પણ સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી.