જામનગર જિલ્લાના ડબાસંગથી ઝાખર ગામ તરફ જતા બાઈકને પડાણા ગામમાં મામાદેવના મંદિર નજીકના રોડ પર પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી મારૂતિ કારે પાછળથી હડફેટે લઇ ઠોકરે ચડાવતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતાં કલ્પેશભાઈ નાથાભાઈ પીંગલસુર (ઉ.વ.23) નામનો યુવક બુધવારે સવારના સમયે પાલાભાઈ દેવશીભાઈ પીંગલસુર (ઉ.વ.60) નામના વૃદ્ધ સાથે તેના જીજે-10-બીએન-4376 નંબરના બાઈક પર ડબાસંગ ગામથી ઝાખર ગામ તરફ જતા હતાં ત્યારે પડાણા ગામમાં મામાદેવના મંદિર નજીકના રોડ પર પહોંચ્યા ત્યારે પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે-10-ડીએ-5329 નંબરની મારૂતિ કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવક અને વૃદ્ધ રોડ પર પટકાયા હતાં જેમાં પાલાભાઈ પીંગલસુરને હાથમાં તથા માથામાં તેમજ આંખ ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે કલ્પેશને મુંઢ ઈજા થઈ હતી. ત્યારબાદ બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પાલાભાઈ (ઉ.વ.60) નામના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગે કલ્પેશભાઈ દ્વારા જાણ કરવામાં આવતા પી ટી જયસ્વાલ તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.