દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ગૌવંશની હત્યા તેમજ ગૌમાંસના વેચાણ સંદર્ભેના ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી પ્રકરણમાં સંડોવાયેલા આઠ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની માહિતી મુજબ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કરવામાં આવી રહેલી કામગીરીમાં ચકચારી બની ગયેલા પ્રકરણમાં થોડા સમય પૂર્વે કેટલાક શખ્સો દ્વારા ગૌવંશનું કતલ કરી અને ગૌમાંસના વેચાણ કરવા સંદર્ભે નોંધાયેલા ગુનામાં ક્રૂરતા દર્શાવનારા શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાવી, આ પ્રકરણમાં એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ સામે પાસાની આ દરખાસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર દ્વારા હકારાત્મક અને કરડાકીભર્યો અભિગમ અપનાવીને પાસા દરખાસ્ત મંજૂર કરી અને તમામ આરોપીઓ સામે અટકાયતી વોરંટ કરવામાં આવ્યું હતું. જે એલસીબી વિભાગના ઇન્ચાર્જ એન એચ જોશી તેમજ પી.એસ.આઈ. બી. એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ વોરંટની બજવણી કરી, આરોપી એવા ખંભાળિયાના રહીશ જાવીદ સબીરભાઈ બાબી (ઉ.વ. 29)ને કચ્છ-ભુજની પાલારા ખાસ જેલ ખાતે, ખંભાળિયાના ફારૂક યુસુફભાઈ બાબીને ભાવનગર જિલ્લા જેલ ખાતે, ઈદ્રીશ સલીમ બાબીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે, નદીમ જહાંગીર પલાને પાલનપુર જિલ્લા જેલ ખાતે, મહમદહનીફ ઉર્ફે મુનાફબાપુ અહમદમીયા સૈયદ (રહે. રૂપેણ બંદર, દ્વારકા)ને નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા જેલ ખાતે, દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા મુસા અલારખા (ઉ.વ. 35)ને ખેડાની નડિયાદ જિલ્લા જેલ ખાતે, વસીમ ઈલિયાસ થૈયમને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે અને સલમાબેન ઇલિયાસભાઈ થૈયમને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટાણિયા, નાયબ કલેક્ટર ડો. રિદ્ધિ રાજ્યગુરુ, ઇન્ચાર્જ પી.આઈ. એન. એચ. જોશી, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલિયા, દીપકભાઈ રાવલિયા, ડાડુભાઈ જોગલ, બલભદ્રસિંહ ગોહિલ, ખીમાભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


