Friday, August 14, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય ડો. પી.વી. કંડોરીયાનું કેદારનાથમાં નિધન

દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય ડો. પી.વી. કંડોરીયાનું કેદારનાથમાં નિધન

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું ગઈકાલે બપોરે યાત્રાધામ કેદારનાથમાં હૃદયરોગના ઘાતક હુમલાના કારણે અકાળે નિધન થયું છે. શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સેવાભાવી કાર્યકર તરીકે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા દેવભૂમિ હોસ્પિટલ વાળા ડો. પી.વી. કંડોરીયાનું અચાનક અવસાન થતા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે આહિર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના મૂળ વતની અને હાલ ખંભાળિયામાં દેવભૂમિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામથી ખૂબ જ સુવિધાસભર અને આધુનિક એવી હોસ્પિટલના ડાયરેક્ટર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય ડો. પરબતભાઈ વેજાણંદભાઈ કંડોરીયા (ડો. પી.વી. કંડોરીયા) કે જેઓ કેદારનાથ મહાદેવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા હોય, અવારનવાર કેદારનાથ યાત્રાએ જતા હતા. ડો. પી.વી. કંડોરીયા તેમના પત્ની માલતીબેન કંડોરીયા તેમજ તેમના મિત્ર વર્તુળ પરિવાર સાથે તાજેતરમાં હરિદ્વાર ખાતે ગયા બાદ બે દિવસ પૂર્વે તેઓ તેમના સ્વપ્નના એવા કેદારનાથ ધામ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ આ વિસ્તારમાં એક માતાજીના સુવિખ્યાત મંદિરે ગઈકાલે શુક્રવારે બપોરના સમયે દર્શન કરવા જતા હતા, ત્યારે સંભવત: વાતાવરણમાં ઓક્સિજનની માત્રા ઓછી હોવાના કારણે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી ગયો હતો અને આ જ સ્થળે તેમણે અંતિમ શ્ર્વાસ ખેંચ્યા હતા.

આ દુ:ખદ ઘટના બનતા હેલિકોપ્ટર મારફતે તેમને સ્થાનિક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. એકાએક બનેલા આ બનાવથી તેમના પત્ની તેમજ સાથી પ્રવાસીઓ હતપ્રભ બની ગયા હતા. ડો. પી.વી. કંડોરીયાના અકાળે અવસાન થયાના સમાચાર વાયુવેગે ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રસરી જતા સૌ કોઈ શોકમગ્ન બની ગયા હતા. તેમના મૃતદેહને વિમાન માર્ગે ખંભાળિયા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે પણ હોસ્પિટલ ધરાવતા ડો. પી.વી. કંડોરીયાના પત્ની માલતીબેન કંડોરીયા પણ ગત ટર્મમાં જિલ્લા પંચાયતના સદસ્યા હતા. આ ટર્મમાં ડો. પી.વી. કંડોરીયા ચૂંટાઈને સિંચાઈ વિભાગના ચેરમેન પણ બન્યા હતા. તેઓ આ વિસ્તારની જનતાના પ્રશ્ર્નો સંબંધિત તંત્ર સુધી પહોંચાડવા અને તેના નિકાલ માટે હંમેશા કાર્યરત રહેતા. ખંભાળિયામાં આવેલી ડિવાઈન ઇન્સ્ટિટ્યૂટ નામની એક શૈક્ષણિક સંસ્થા ઉપરાંત જામનગર ખાતે ચૈતન્ય ક્લિનિક નામની એક હોસ્પિટલ પણ તેઓ ચલાવતા હતા. ખંભાળિયા તેમજ ભાડથરની હોસ્પિટલમાં તેઓ નિયમિત રીતે અનેક દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ દવાઓ પણ પૂરી પાડતા હતા.

શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી વિદ્યાર્થીઓના વિકાસ તેમજ પ્રશ્ર્નોના નિરાકરણ માટે પણ તેઓ હંમેશા સેવારત રહેતા
હતા. આશરે 20 વર્ષની વયનો તેમનો એકમાત્ર પુત્ર હાલ અમદાવાદમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે.

- Advertisement -

ખૂબ જ મૃદુ અને સાલસ સ્વભાવના તથા સંપૂર્ણપણે બિનવિવાદાસ્પદ અને સમાજ માટેની કંઈક કરી છૂટવાની ઉમદા ભાવના ધરાવતા ડો. પી.વી. કંડોરીયાને ગમગીનીભર્યા માહોલમાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ત્રણેક દિવસ પૂર્વેના તેમના ગંગાઘાટ ખાતે આરતી તેમજ પૂજનના તેમના ચોટદાર વિડિયો સ્ટેટ્સ સોશિયલ મીડિયામાં હાલ મોટી સંખ્યામાં લોકોએ વાઇરલ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular