Sunday, May 26, 2024
Homeરાજ્યહાલારદિવાળીના પર્વમાં દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો

દિવાળીના પર્વમાં દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો

જગત મંદિરમાં હાટડી, અન્નકોટ દર્શન યોજાયા : ભાઈ-બીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથ્થુ બાંધ્યું : સાંજે ગોમતી નદીમાં દિવડા પ્રગટાવાયા : પોલીસ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા જળવાઈ

- Advertisement -

દિવાળી વેકેશનમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડતાં સપ્તાહ માટે હોટલ ગેસ્ટ હાઉસ ફુલ રહ્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં રહેલાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુઓના પ્રવાહમાં થોડી ઓટ રહ્યા બાદ નૂતનવર્ષથી અહીં ગુજરાતભરના ખૂબ મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓના લીધે સમગ્ર વિસ્તારમાં આવેલાં હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા.

- Advertisement -

આગામી સપ્તાહ સુધી હજુ પણ વેકેશનનો માહોલ હોય, યાત્રાળુઓ તથા પ્રવાસીઓનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહયું છે. દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા.

તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રીકો મોટી સંખ્યામાં હાલમાં દ્વારકામાં જોવા મળી રહયા હોય, જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબત્તી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચક્ક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી હતી. શહેરભરમાં ઠેરઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. દ્વારકામાં આવેલા રેસ્ટોરાં તથા જમવાની હોટલો, ધાબાઓ વિગેરેમાં પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. પીક અવર્સ દરમ્યાન ટ્રાફીકની પણ સમસ્યાઓ રહી હતી. આ સમગ્ર સપ્તાહ સુધી યાત્રાધામ દ્વારકામાં વેકેશનને લીધે ભીડભાડ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિપોત્સવી તથા નૂતન વર્ષના તહેવારો દરમિયાન યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરીને નવું વર્ષ શરૂ કર્યું હતું. એકંદરે દ્વારકાના જગત મંદિરમાં હર હંમેશ ભક્તોની ભીડ જોવા મળે છે, પરંતુ હાલ દિવાળીના પાંચ દિવસ દરમિયાન ઉજવાતા તહેવારોમાં વિશેષ ભીડ જોવા મળી હતી.

સમગ્ર દ્વારકા પંથકમાં સ્થાનિકો તથા બહારગામથી મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ રહી હતી. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી, ભક્તોએ ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી લોકોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. દ્વારકા આસપાસના રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ બીચ, ઓખામઢી, કાચબા ઉછેર કેન્દ્ર વિગેરે જોવાલાયક સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ રહી હતી.

- Advertisement -

દિપોત્સવી પર્વ નિમિત્તે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તથા જગત મંદિર વહીવટદાર સમિતિ દ્વારા તમામ બાબતે સુચારૂ વ્યવસ્થા હોવાથી લોકોએ કોઈ હાલાકી વગર દર્શન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તહેવારો દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો-પ્રવાસીઓના આગમનથી વિવિધ ધંધાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારિકામાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત રસમ સાથે ઊજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલા હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલા અન્નકુટ ઉત્સવ – મનોરથનો લાખો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ – ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓનાં અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.

દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકાના જગતમંદિરને વિશેષ રોશની અને ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજ્યામાં આઠ-દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.

પવિત્ર ચાર ધામો પૈકીના એક ધામ એવા દ્વારકાધામમાં પવિત્ર ગોમતી નદીમાં બુધવારે ભાઈબીજના દિવસે હજારો શ્રધ્ધાળુઓએ પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો. લોકવાયકા પ્રમાણે આજના દિને યમુનાજીના ભાઈ યમરાજને યમુનાજીએ ભોજન માટે આમંત્ર્યા હતા. બહેનનું આમંત્રણ સ્વિકારી યમરાજે આજના શુભદિને સોનાની દ્વારકામાં આવી, તેમના હાથે ભોજન આરોગ્યું હતું. અને આશિર્વાદ આપ્યા હતા કે જે કોઇ આજના દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજા ક્યારેય પણ નડતરરૂપ થશે નહિં. આથી નગરની દરેક ગૃહિણીઓ દ્વારા ભાઈબીજના દિને સાંજના સમયે ગોમતી નદીમાં પવિત્ર દિપ તરાવવાનું પણ અનેરું મહત્વ છે. ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું પણ સવિશેષ મહત્વ હોય, હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી.

ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનિક મહિલાઓ, કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી. રાત્રિના સમયે સેંકડો દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતાં દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.

દિપોત્સવી પર્વે ખંભાળિયામાં ફટાકડાની આતશબાજી
દિવાળી નિમિત્તે રવિવારે રાત્રે ખંભાળિયામાં લોકોએ મન ભરીને વિવિધ આકાર પ્રકારના ફટાકડાની તડાફડી બોલાવી અનેરી મોજ માણી હતી. ખાસ કરીને બાળકોએ આતશબાજી સહિતના વિવિધ પ્રકારના ફટાકડા ફોડીને દિપોત્સવી પર્વની ઉજવણી કરી હતી. દિવાળીના દિને શહેરના મોટાભાગના ફટાકડાના વિક્રેતાઓનો સ્ટોક તળિયા ઝાટક બની ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular