જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ રૂપિયા એક કરોડ છત્રીસ લાખ જેટલી માતબર રકમની ઉચાપાત કર્યાનુ કૌભાંડ ખુલતા ભારે ચકચાર જાગી છે. આ મામલે ફરિયાદના આધારે પોલીસે આઉટ સોર્સ કર્મચારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ ઉચાપાતની વિગત મુજબ જામનગર શહેરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં નેશન હેલ્થ મિશન-ગાંધીનગરના એન.એચ.એમ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતાં શોભીત ગર્ગ (રહે. ઇ-401, નંદકિશોર એપાર્ટમેન્ટ, કૈલાસ પાર્કની બાજુમાં, રાજ પાર્ક, જામનગર) નામના શખ્સે તેની ફરજ દરમ્યાન ગત્ તા. 18-11-2025 થી 02-04-2026 સુધીના સમય દરમ્યાન રોગી કલ્યાણ સમિતિ સરકારી ડેન્ટલ એન્ડ હોસ્પિટલ ગાંધીનગરથી આવતી સરકારી ગ્રાન્ટ જે દર્દીઓની સારવાર તથા સંસ્થાના આઉટ સોર્સના કર્મચારીના પગાર માટે આવતી હોય છે. આ સરકારી ગ્રાન્ટ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નંબર 2011785516માં જમા થતી હોય છે અને આ ખાતામાંથી દર્દીઓની સારવાર તથા આઉટ સોર્સ કર્મચારીઓનો પગાર કરવામાં આવતો હોય છે. આ ખર્ચ માટે શોભીત ગર્ગ નામનો આઉટ સોર્સ કર્મચારી સરકારી ગ્રાન્ટનો ખર્ચ કરતો હોય છે.
શોભીત ગર્ગએ તેની ફરજ દરમ્યાન દર્દીઓની સારવાર તથા આઉટ સોર્સના કર્મચારીઓના પગાર માટે આવતી ગ્રાન્ટમાંથી જુદા જુદા દિવસે, જુદા જુદા ચેકો દ્વારા રોગી કલ્યાણ સમિતિના સભ્યની જાણ બહાર ચેકની રકમમાં ફેરફાર કરી ચેક પોતાના બેન્ક એકાઉન્ટમાં વટાવી રૂા. 1,36,19,350ની માતબર રકમની ઉચાપાત કરી હતી. આ જંગી રકમની ઉચાપાત કરી લીધા છતાં આ મામલે જામનગર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના અધિકારી અને કર્મચારીઓના ધ્યાનમાં કયા કારણોસર ન આવ્યું…? આવડું મોટું કૌભાંડ આચરી લીધું હોવા છતાં હોસ્પિટલના સ્ટાફને ધ્યાનમાં ન આવ્યું. કૌભાંડ બહાર આવ્યા બાદ ડો. સંજયભાઇ ઉમરાણિયા દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શોભીત ગર્ગ વિરૂદ્ધ ઉચાપાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ ઉચાપાતનો ગુનો નોંધી શોભીત ગર્ગની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.


