Wednesday, June 19, 2024
Homeરાજ્યપોલીસ કસ્ટડીમાં મોત: જમીન વિવાદમાં નવો ‘ખુણો’ નિકળતાં ટેન્શન

પોલીસ કસ્ટડીમાં મોત: જમીન વિવાદમાં નવો ‘ખુણો’ નિકળતાં ટેન્શન

- Advertisement -

કચ્છમાં થોડાં દિવસ અગાઉ એક ગઢવી યુવાનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ નીપજયું હતું. જે-તે સમયે એવો આક્ષેપ થયો હતો કે, મૃતક પર લોક-અપમાં પોલીસ દ્વારા ટોર્ચર થયુ હતું. ત્યાર પછી અન્ય એક ગઢવી યુવાનનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. ગઢવી સમાજ આ પ્રકરણના અનુસંધાને કડક કામગીરીની માંગણી કરે છે.

- Advertisement -

22 વર્ષના હરજોગ ગઢવીનું અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં શનિવારે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. આ અગાઉ 28 વર્ષના અરજણ ગઢવીનું ગત્ 19મી જાન્યુઆરીએ પોલીસ લોક-અપમાં મૃત્યુ થયું હતું. આ બન્ને મૃતકો શ્રમિક હતાં. બન્ને મુન્દ્રા નજીકના સામાઘોગા ગામના વતની હતી.

આજે સોમવારે આ સમાજ દ્વારા સામાઘોગા-મુન્દ્રા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સમાજે ચુંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી છે. આક્ષેપ એવો છે કે, 16 જાન્યુઆરીએ હરજોગને પોલીસ ઉઠાવી ગઇ હતી. તે પહેલાં 4 દિવસ અગાઉ અરજણની ધરપકડ થઇ હતી.બાદમાં હરજોગને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાયા પછી, તેનેે વધુ સારવાર માટે અમદાવાદની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મૃત્યુ નિપજયું છે.

- Advertisement -

દરમ્યાન સમગ્ર કેસમાં એક નવો વણાક આવ્યો છે. ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવીએ એવો આક્ષેપ કર્યો છે કે, પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા આ કેસ સાથે સંકળાયેલા છે. જાડેજા આ જમીનનો કબ્જો ઇચ્છતાં હતાં, જે જમીન પર ગઢવી ખેતી કરતાં હતાં.પોલીસે પક્ષપાતી વલણ દાખવી મૃતકોને ટોર્ચર કર્યા હતાં. એમ વિજય ગઢવીએ જણાવ્યું છે.

સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, 45 થી 50 વર્ષ પહેલાં જાડેજા પરિવારે મૃતકના પૂર્વજોને આ જમીન વેચાણથી આપી હતી. જો કે, જે તે સમયે જમીનના દસ્તાવેજોની કામગીરી અધૂરી રહી હોવાનું જાણવા મળે છે. દરમ્યાન આ વિવાદી જમીન નજીકથી નર્મદા કેનાલ પસાર થઇ અને સરકારે વળતર જાહેર કર્યુ. જે તે સમયે રાજપૂત પરિવાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રેવન્યુ રેકર્ડ પ્રમાણે આ જમીન તેઓની છે અને વિવાદના કારણે આ જમીનના વળતરની પ્રક્રિયા પણ હજૂ પૂર્ણ થઇ નથી એમ ગઢવી અગ્રણીએ જણાવ્યું છે.

- Advertisement -

વિજય ગઢવી એ એવો આક્ષેપ કર્યો છે કે, પોલીસનું વર્તન પક્ષપાતી છે. ભોગ બનનારને ખોટી રીતે ચોરીના કેસમાં ફીટ કરી દેવામાં આવ્યાં છે.જે માલમતાની ચોરી થયાનો કેસ છે તે માલ મતા પોલીસ દ્વારા રીકવર કરવામાં આવી નથી.

પોલીસે અરજણના મૃત્યુ પછી એફઆઇઆર દાખલ કરી અને પીએસઆઇ તથા એક જીઆઇડીસી જવાનની ધરપકડ કરી. આ પ્રકરણમાં અન્ય પાંચ પોલીસકર્મીઓ ફરાર છે.

કચ્છના એસપી સૌરભસિંઘે પત્રકારો સમક્ષ જણાવ્યું છે કે, ગઢવી યુવકો અને પૂર્વ સરપંચ વચ્ચેનો આ જમીન વિવાદ બે દિવસ પહેલાં જ જાહેર થયો છે. એફઆઇઆરમાં તેનો ઉલ્લેખ નથી. અમે આ પાસાની હવે તપાસ ચલાવી રહ્યા છીએ અને આશા છે કે, આરોપીઓને ઝડપી લઇશું.

દરમ્યાન બંધના એલાનને પગલે સમગ્ર કચ્છમાં પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. બીજી બાજુ ગઢવી સમાજે બંધને સફળ બનાવવા રાજપૂત, મહેશ્ર્વરી, રબારી અને મુસ્લીમ સમાજનો સહયોગ મેળવવા વિનંતી કરી હતી. દરમ્યાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને પત્ર લખી આરોપીઓને તાકીદે ઝડપી લેવા વિનંતી કરી છે.

આ પ્રકરણમાં પોલીસ અધિકારી પઢીયાર ઉપરાંત જીઆરડી જવાન વિરલ જોષીની ધરપકડ થઇ છે. અન્ય પોલીસકર્મીઓ અશોક કનડ, શકિતસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા સહિતના પાંચ કર્મીઓ ફરાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular