ખંભાળિયાની મેઈન બજાર વિસ્તારમાં આજરોજ ઢળતી સાંજે બે મજબૂત આખલાઓ બાખડી પડતા થોડો સમય ભારે ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.
ખંભાળિયામાં શાક માર્કેટ વિસ્તારમાં મેઈન બજાર ખાતે આજે સાંજે આશરે સાતેક વાગ્યાના સમયે અહીં વિચરતા બે ખૂંટિયાઓ સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં આ બંને આખલાના યુદ્ધે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ બંને આખલાઓ શિંગડા ભરાવીને આખી બજારમાં બાખડ્યા હતા. બાખડતા બાખડતા આ ખૂંટિયા ઓ એક શોરૂમમાં ઘુસી જતા આ શોરૂમમાં કેટલીક તોડફોડ પણ મચાવી હતી.
આશરે દસેક મિનિટ સુધી મેઈન બજાર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ પ્રસરાવી, આ ખૂંટીયાઓએ વેપારીઓને તેમજ વાહન ચાલકોને ભારે ચિંતામાં મૂકી દીધા હતા. શહેરના યક્ષ પ્રશ્ન એવા રસ્તે રઝળતા ગૌવંશને નાથવા તંત્રની નિષ્ફળતાનો આ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.