યાત્રાધામ દ્વારકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃતરીતે કરવામાં આવેલા બાંધકામોને તંત્ર દ્વારા સમયાંતરે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે દ્વારકાના રુક્ષ્મણી મંદિરના મેદાનમાં ખડકી દેવાયેલ અનધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચાલ્યું હતું.

બેટ દ્વારકા ખાતે હાથ ધરવામાં આવેલ મેગા ડીમોલીશન બાદ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા રૂક્ષ્મણી મંદિરના સામેના ભાગમાં આવેલ પાંચ જેટલા બાંધકામોને વિધિવત રીતે નોટિસ તથા અલ્ટીમેટમ આપ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી અમોલ આવટેની અધ્યક્ષતામાં દ્વારકા પોલીસને સાથે રાખીને નગરપાલિકા દ્વારા અનધિકૃત રીતે ખડકી દેવામાં આવેલા પાંચ જેટલા બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે તંત્ર દ્વારા આવા દબાણકર્તાઓને સમયાંતરે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસનો સમય પૂર્ણ થઈ દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ ન હટાવતા, દ્વારકા નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને આ તમામ અનઅધિકૃત બાંધકામોને તોડી પડાયા હતા. જેમાં એક ધાર્મિક સ્થાનને પણ અલગ અલગ સમયે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તે ધાર્મિક દબાણ ન હટાવવામાં આવતા, તે ધાર્મિક સ્થાન હટાવવા તંત્ર પહોચતા હાઇવોલ્ટેઝ ડ્રામા સર્જાયો હતો. પરંતુ આગેવાનો દ્વારા મધ્યસ્થી થતા અને બે દિવસનો સમય માંગવામાં આવતા તંત્ર દ્વારા ધાર્મિક જગ્યાને બે દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે.