ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા બુધવારે સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન અને મકાનના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી અંતર્ગત અનધિકૃત રીતે બનાવવામાં આવેલી 2 જેટી, 2 દુકાનો અને 2 રહેણાંક મકાનો સહિત કુલ 6 બાંધકામો દુર કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા ધોરણસર નોટિસ આપવા છતાં તેને દૂર ન કરાતા બુધવારે કાયદેસર મંજૂરી વિનાના આ બાંધકામો દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા અને મરીન પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
લાખો રૂપિયાની કિંમતી જમીન પર કરાયેલા દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.