સરકારી શાળાઓના બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી એપ્રુવલની અરજીઓની મંજૂરી માટે રૂપિયા પાંચ લાખની લાંચ માંગી રૂપિયા બે લાખની લાંચ લેતાં ભાવનગરના ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર સહિત બે લોકોને એસીબીએ રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ ફરિયાદીએ ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આવેલી અલગ અલગ સરકારી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીને લગતાં સાધનો ઇન્સ્ટોલ કરવા અંગેનો પેટાકોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જેમાં 79 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોના ઇન્સ્ટોલમેન્ટનું કામ પૂર્ણ કરી ભાવનગરના ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર પાસેથી ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એપ્રુવલ મેળવવા ઓનલાઇન અરજીઓ કરી હતી. જે મંજૂર થયેલ અરજીઓ તથા મંજૂર થવા પર બાકી અરજીઓના વ્યવહાર પેટે ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર મહેશ અમૃત પટેલએ રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. જે પૈકી અગાઉ રૂપિયા 50 હજાર પ્રકાશ ગિરીશ ચૌહાણ મારફતે લઇ લીધાં હતાં. બાકીના રૂા. 4,50,000 પ્રકાશને આપી દેવાનું જણાવતાં ફરિયાદી પાસે રૂા. 2 લાખની સગવડ થતાં લાંચના રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરિયાદી લાંચના નાણા આપવા માંગતા ન હોય એસીબીને ફરિયાદ કરી હતી.
ફરિયાદીની ફરિયાદના આધારે અમદાવાદના એસીબી મદદનિશ નિયામક એમ. એચ. કુવાડના સુપરવિઝન હેઠળ એસીબી અમદાવાદ, નાયબ નિયામક હરેશ મેવાડા તથા આણંદ એસીબીના પીઆઇ આર. એન. વિરાણી તથા સ્ટાફએ છટકું ગોઠવી પ્રકાશ ગિરીશ ચૌહાણને ફરિયાદી પાસેથી રૂા. બે લાખના લાંચના નાણાં ઝડપી લીધા હતાં. તેમજ અન્ય આરોપી મહેશકુમાર અમૃતલાલ પટેલ તેની કચેરી ખાતે હાજર મળી આવતાં પોતાના હોદ્ાનો દુરૂપયોગ કરી ગુનાહિત વર્તણૂંક આચરી ગુનો કરતાં પોલીસ દ્વારા આ અંગે બન્ને શખ્સો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.


