દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે ગુજસીટોકના નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા આરોપીઓને નામદાર હાઈકોર્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશ કરવાની શરત સાથે જામીન આપ્યા હતા. આ પૈકીના ત્રણ આરોપીઓ જિલ્લામાં પ્રવેશ્યા હોવાથી કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફે ચેક પોસ્ટ પાસે અટકાવતા કારમાં સવાર કુલ પાંચ આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કરી, બેરીકેટીંગ તોડીને નુકસાની કરવા સબબની ધોરણસર ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ભીખાભાઈ ચાવડાએ જાહેર કરેલી વિગત મુજબ ફરિયાદી હરદાસભાઈ ચાવડા તેમજ અન્ય પોલીસ કર્મીઓ ગઈકાલે રવિવારે સાંજે કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ ચેક પોસ્ટ પાસે તેમની ફરજ પર હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે મીઠાપુર પોલીસ મથકના ગુજસીટોકના ગુનાના આરોપીઓ કે જેઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, તે પૈકીના કેટલાક આરોપીઓ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન મુક્ત થયા હતા તેઓ કેટલાક દિવસોથી દ્વારકા પંથકમાં રહેતા હતા.
આ પ્રકારના આરોપીઓ સફેદ કલરની એક મોટરકારમાં પોરબંદર હાઈવે રોડ પર જવાની પેરવીમાં હતા તેવી માહિતી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ તથા સ્ટાફે ગઈકાલે રવિવારે સાંજના સમયે આ ચેક પોસ્ટ નજીકથી પસાર થઈ રહેલી જી.જે. 37 જે. 7445 નંબરની સફેદ કલરની એક ક્રેટા મોટરકારને પૂર ઝડપે જતા અટકાવવા હાથ વડે ઇશારો કરીને સૂચના આપી હતી. આ મોટરકારમાં મીઠાપુર ગામના માનસંગભા ધાંધાભા સુમણીયા, ટોબર ગામના રાયદેભા ટપુભા કેર, મેવાસા ગામના મેરૂભા વાલાભા માણેક તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ શકશો હોવાનું જાહેર થયું છે.
આ કારમાં જઈ રહેલા ચાલકે કાર થોભાવવાના બદલે સૂચના આપનાર પોલીસ કર્મચારી તેમની ફરજનું પાલન કરી રહ્યા હતા તેમ જાણવા છતાં પણ તેના પર કાર ચડાવીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યાનું જાહેર થયું છે. આ બનાવથી પોલીસ કર્મીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી પાસે રહેલી બેરીકેટિંગને ટક્કર મારી આ બેરીકેટિંગને નુકસાની કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બે અજાણ્યા સહિત તમામ પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સહિતની કલમ 109 (1), 121 (1), 3(5) તથા પબ્લિક પ્રોપર્ટી એન્ડ ડોમેસ્ટિક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, દ્વારકા સર્કલના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. કે.બી. રાજવીએ હાથ ધરી છે.