જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાનને દારૂ પીવાની કુટેવ હોય અને કોઇ કામધંધો કરતો ન હોવાથી તેની પત્ની અને બાળકો યુવાનને છોડીને બીજે રહેવા જતાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર નજીક ઠેબા ચોકડી પાસેની હોટલમાં મજૂરી કરતો યુવાન બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના શંકરટેકરી વાલ્મિકી વાસમાં રહેતાં કારાભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.30) નામના બેકાર યુવાનને દારૂ પીવાની કુટેવ હતી અને આ કુટેવને કારણે તેની પત્ની રીટાબેન તથા બાળકો યુવાનને છોડીને બીજે ભાડે રહેવા જતા રહ્યા હતાં. તેમજ અન્ય સંબંધીઓએ પણ યુવાન સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. જેથી જિંદગીથી કંટાળીને શુક્રવારે સવારના સમયે તેના ઘરે રૂમમાં લાકડાની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની મૃતકના ભાઈ રાજેશભાઈ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી જીણાભાઈ ભરવાડની હોટલમાં મજૂરી કામ કરતા કૈલાશભાઈ સુકાભાઈ રાયકવાડ (ઉ.વ.45) નામનો યુવાન શનિવારે રાત્રિના સમયે હોટલમાં બેશુદ્ધ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જગદીશભાઈ રાયકવાડ દ્વારા જાણ કરાતા હેકો બી.એચ.લાંબરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.