જામનગર રંગુનવાલા હોસ્પિટલ નજીકના વિસ્તારમાં અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી બે શખ્સોએ પ્રૌઢને ઢીકાપાટુનો માર મારતા બચાવવા પડતા તેમના પત્ની ઉપર છરી વડે અને પુત્રી તથા સાળાની દીકરી ઉપર લોખંડના પાઈપ વડે માર માર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રંગુનવાલા હોસ્પિટલ પાસેના સાટીવાડમાં રહેતા ઈબ્રાહિમભાઈ ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ સતાર વજબાણી (ઉ.વ.51) નામના પ્રૌઢ વેપારીના સાળીના દિકરા સાથે મસીતિયાના આદમ ખફી નામના શખ્સને બોલાચાલી થઈ હતી. તે બોલાચાલીનો ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે આદમ ખફી અને અજાણ્યા સહિતના બે શખ્સોએ પ્રૌઢ વેપારીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી હુમલો કરતા હતાં. તે દરમિયાન પ્રૌઢની પત્ની રૂક્સાનાબેન વચ્ચે પડતા તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન પ્રૌઢ વેપારીની પુત્રી સનાબાનુ અને સાળાની દીકરી ફરઝાના વચ્ચે પડતા તેના ઉપર લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
બે શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા ચાર વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે વેપારી ઈબ્રાહિમભાઈના નિવેદનના આધારે બે શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.