જામનગરની યુવતીને અવાર-નવાર પજવણી કરતા શખ્સે સમાધાન માટે ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકે બોલાવી 10 થી 12 જેટલા શખસોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી યુવાન અને તેના બે મિત્રો સહિતના ત્રણ યુવાનો ઉપર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના રામેશ્ર્વરનગર માટેલ ચોક વિસ્તારમાં રહેતાં અને ફાઇનાન્સનો ધંધો કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા મહેન્દ્રસિંહ જેઠવા (ઉ.વ.32) નામના યુવાનની પિતરાઈ બહેનને રાજકોટનો મયુરસિંહ રાણા અવાર-નવાર હેરાન-પરેશાન કરતો હતો અને પીકઅપ ગાડીમાં યુવતીને ઉપાડી જવા આવ્યો હતો. તે બાબતે વિક્રમસિંહ રાણાએ દિવ્યરાજસિંહને સમાધાન માટે ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકે બોલાવ્યો હતો. જેથી દિવ્યરાજસિંહ અને તેના મિત્રો ધનરાજસિંહ અને જીતેન્દ્રસિંહ સહિતના ત્રણેય યુવાનો શનિવારે મધ્યરાત્રિના સમયે સોયલ ટોલનાકે ગયા હતાં તે દરમિયાન મયુરસિંહ રાણા, વિક્રમસિંહ રાણા સહિતના 12 જેટલા શખ્સોએ પૂર્વઆયોજીત કાવતરું રચી સમાધાન માટે આવેલા યુવાનો ઉપર તલવાર-પાઈપ, ધોકા જેવા હથિયારો સાથે જુદી જુદી ચાર કારમાં આવીને દિવ્યરાજસિંહને મારી નાખવાના ઇરાદે તલવારનો જીવલેણ ઘા મારી બંને પગ ઉપર કાર ચડાવી હતી તેમજ પાઈપ વડે હુમલો કર્યો હતો.
તેમજ ધનરાજસિંહ ઉપર માથામાં તથા હાથમાં અને પગમાં તલવાર-અને પાઈપ વડે હુમલો કર્યો હતો. ઉપરાંત જીતેન્દ્રસિંહના માથામાં પાઇપ વડે જીવલેણ હુમલો કરી ત્રણેય યુવાનોને ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ હુમલાખોરોએ મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે દિવ્યરાજસિંહના નિવેદનના આધારે એક ડઝનથી વધુ શખ્સો સામે પૂર્વ આયોજીત કાવતરુ રચી જીવલેણ હુમલો કર્યાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.