જામનગરના શખ્સ દ્વારા જુદા-જુદા વેપારીઓ સાથે છેતરપિંડી આચરતો હોય તેવા શખ્સે તામીલનાડુના એક વેપારી સાથે ખોટી ઓળખ આપી 31 લાખનો બ્રાસ અને કોપરનો સામાન મેળવી લઇ છેતરપિંડી આચર્યાની વધુ એક ફરિયાદ શખ્સ વિરૂધ્ધ નોંધાઇ છે.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મેહુલનગર વિસ્તારમાં રહેતાં સાગર કારુ નંદાણિયા નામના શખ્સ વિરૂધ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ છે. ત્યારે તામીલનાડુ જ એક વેપારીએ સાગર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેની વિતગ મુજબ તામીલનાડુના કોયમપુરમાં રહેતાં ભેરારામ માંગીલાલ ચૌધરી નામના વેપારીની આર.જે. ટે્રડર્સ નામની પેઢીમાંથી બ્રાસ અને કોપરનો માલ ખરીદવા માટે સાગરે દરેડમાં સ્વાતી બ્રાસના કિર્તીભાઇ તરીકેની ખોટી ઓળખ આપી ભેરારામ સાથે પ્રથમ વખત માલ ખરીદવા માટે ઓર્ડર મુજબનું પેમેન્ટ સમયસર ચૂકવી દીધું હતું. જેથી વેપારીને વિશ્ર્વાસ બેસી જાય ત્યારબાદ બીજી વખત જૂન મહિનામાં ભેરારામ પાસેથી 2805 કિલો કોપર અને 700 કિલો બ્રાસ મળી કુલ રૂા.31,08,397 ની કિંમતનો 3505 કિલો પિતળ અને કોપરનો સામાન મંગાવ્યો હતો. આ માલ એસીપીએલ ટ્રાન્સપોર્ટ મારફતે દરેડ મોકલવામાં આવ્યો હતો અને સામાનની ડિલેવરી પણ લઇ લીધી હતી. ત્યારબાદ આઠ મહિનાથી તામિલનાડુના વેપારી દ્વારા બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી કરાતા સાગર કારુ નંદાણિયા દ્વારા રૂપિયાની ચૂકવણી કરવામાં ન આવતા વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે સાગર વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.