જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસપાર્ટના કારખાનેદારને ડીજીટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી દિલ્હીના ગ્રેટર નોયડાના બે શખ્સો દ્વારા કારખાનેદાર પાસેથી 31 લાખની ખરીદી પેટે 9.55 લાખ ચૂકવી બાકીના 21.41 લાખની છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મેહુલનગરમાં સિધ્ધીપાર્ક વિસ્તારમાં મકાન નંબર ડી -50 માં રહેતાં જયસુખભાઈ બાવજીભાઈ હાપલિયા નામના કારખાનેદારનું કારખાનું દરેડ જીઆઈડીસી ફેઝ-3 માં પ્લોટનંબર-4477 માં યશ બ્રાસ નામનું છે દરમિયાન દિલ્હી ગ્રેટર નોયડાના સીરાજ સૈફી ઉર્ફે બંટી અને રોહિત કાનાણી નામના બે શખ્સોએ ડીજીટલ પ્લેટફોર્મ મારફતે કારખાનેદાર જયસુખભાઈનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. પ્રોડકટ ખરીદવા માટે વાતચીત કરી વિશ્ર્વાસમાં લઇ કારખાનેદારને ગ્રેટર નોયડા ખાતે ગૌતમ બુધ્ધનગરમાં કસના ઈન્સ્ડસ્ટ્રીઝ એરીયામાં સાઈટ 5 મા પ્લોટ નંબર-એ 2/45 માં વિઝીટ કરવા બોલાવ્યા હતાં અને બંને ઠગ શખ્સોએ પોતાનો વેપાર ધંધો મોટો હોવાનું બતાવી કારખાનેદારને વિશ્ર્વાસમાં લીધા બાદ જયસુખભાઈ પાસેથી દિલ્હીના શખ્સોએ રૂા.31,36,165 ની કિંમતનો બ્રાસપાર્ટનો માલ મંગાવ્યો હતો. અને તેના બદલામાં બંને શખ્સોએ 9,95,000 ની રકમ ચૂકવી હતી.
ત્યારબાદ બાકી રહેતા રૂા.21,41,165 ની ઉઘરાણીની રકમ માટે જયસુખભાઈ દ્વારા અવાર-નવાર દિલ્હીના શખ્સો પાસે ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ બંને શખ્સોએ બાકી નિકળતા પૈસા ભુલી જવાનું કહી ચૂકવ્યા ન હતા. આખરે જયસખુભાઈએ દિલ્હીના બન્ને શખ્સો વિરૂધ્ધ 21.41 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.