Saturday, December 7, 2024
Homeરાષ્ટ્રીયતમામ પ્રકારની લોન મોંઘી, આરબીઆઇએ વધાર્યો દર

તમામ પ્રકારની લોન મોંઘી, આરબીઆઇએ વધાર્યો દર

રેપોરેટમાં 35 બેઝિસ પોઇન્ટનો વધારો થતાં રેપો વધીને 6.25 થયો : મોંઘવારી દર 6.7 ટકા રહેવાની ધારણા : જીડીપીમાં મામૂલી ઘટાડાનો અંદાજ

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિણર્યની સાથે જ હવે દરેક પ્રકારની લોન મોંઘી થઇ જશે. આરબીઆઇના અનુસાર નવો રેપો રેટ વધીને 6.25 ટકા થઇ જશે જે પહેલા 5.90 ટકા જેટલો હતો. આરબીઆઇગવર્નર શક્તિકાંત દાસે આજે નવા રેપો રેટની જાહેરાત કરી છે. આ ઉપરાંત 2023માં છૂટક મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે. જયારે જીડીપીના દરમાં મામૂલી ઘટાડાનો અંદાજ દર્શાવ્યો છે.

- Advertisement -

રેપો રેટમાં વધારાની આગાહી પહેલાથી જ કરવામાં આવી રહી હતી. આ અગાઉ પણ ઘણા નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે ફુગાવામાં રાહત હોવા છતાં કેન્દ્રીય બેંક પોલિસી રેટમાં 25-35 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં મોંઘવારી લાંબા સમયથી ઊંચા સ્તરે રહી હતી, પરંતુ ગયા ઓક્ટોબરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર જણાવ્યું છે કે, અગાઉ યોજાયેલી એમપીસીની બેઠકમાં રિટેલ ફુગાવા પર ઘણું દબાણ હતું અને માત્ર તેને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઝડપથી વધારો કરી રહી છે. મે થી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે અને તે 4 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. બુધવારે એમપીસીની બેઠકમાં આવનારા નિર્ણયોમાં ફરી એકવાર રેપો રેટમાં વધારો થતાં હવે દરેક પ્રકારની લોન મોંઘી થશે.

- Advertisement -

વિશ્વ બેંકે જીડીપી ગ્રોથનો અંદાજ વધાર્યો

વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો છે. અગાઉ તેણે 6.5 ટકાનો અંદાજ આપ્યો હતો. વૈશ્ર્વિક અર્થતંત્રમાં નરમાઈ અને આંતરાષ્ટ્રીય પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર વધુ સારી કામગીરી દર્શાવી રહ્યું હોવાનું વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું. વૈશ્ર્વિક ઉથલપાથલ વચ્ચે કોઈ પણ આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા ભારતની જીડીપી વૃદ્ધિના અંદાજમાં વધારો કરાયો હોવાની આ પ્રથમ ઘટના છે. વર્લ્ડ બેન્કે મંગળવારે તેના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું હતું.

- Advertisement -

વૈશ્વિક આંચકાઓ સામે ભારતીય અર્થતંત્રની વધુ સારી સ્થિતિ અને બીજા ત્રિમાસિક ગાળાના અપેક્ષા કરતા વધુ સારા આંકડાને કારણે આ સુધારો કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રએ સપ્ટેમ્બર ક્વાર્ટર 2022-23માં 6.3 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી હતી, જે અગાઉના જૂન ત્રિમાસિક ગાળામાં 13.5 ટકા રહેવા પામી હતી. જેનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો હતો. ઓક્ટોબરમાં વર્લ્ડ બેન્કે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 6.5 ટકા કરી દીધો હતો, જે અગાઉ 7.5 ટકા આપ્યો હતો. જોકે હવે નવા અંદાજ મુજબ વિશ્વ બેન્કે 2022-23 (એપ્રિલ 2022 -માર્ચ 2023) માટેના વૃદ્ધિના અંદાજને સુધારીને 6.9 ટકા કર્યો છે. ‘નેવિગેટિંગ ધ સ્ટોર્મ’ શીર્ષક હેઠળના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કથળી રહેલા આર્થિક માહોલથી ભારતની વૃદ્ધિની સંભાવનાઓ સામે અવરોધ પેદા થશે, પરંતુ મોટા ભાગના અન્ય ઉભરતા બજારોની તુલનામાં ભારતીય અર્થતંત્ર વૈશ્ર્વિક ઉથલપાથલનો સામનો કરવાના મામલે પ્રમાણમાં સારી સ્થિતિમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular