જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પરની એસબીઆઈના એટીએમમાં છેડછાડ કરી ખાતાધારકોના ખાતામાંથી રોકડ રકમની ચોરીના બનાવ બાદ ખોડિયાર કોલોની આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂા.25,000 ની ચોરીના બીજા બનાવથી બેંકના ખાતેદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલી આઇસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીનમાં ગત તા.13 ના રોજ ત્રણ અજાણ્યા તસ્કરોએ એટીએમ મશીનના કેસ ડિસ્પેન્શરમાં છેડછાડ કરી જુદા જુદા બે ખાતાઓમાંથી રૂા.25000 ની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે બેંકના બ્રાન્ચ મેનેજર રવિભાઈ સાપરીયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જો કે, આ પૂર્વે જામનગરના શરૂ સેકશન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનમાંથી આ જ મોડશ ઓપરેન્ડીથી જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી 25000 જેટલી રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવની ફરિયાદ નોંધાઇ હતી. આમ ઉપરાઉપરી જુદી જુદી બે બેંકના એટીએમ મશીનમાંથી રોકડ ચોરીના બનાવે બેંકના ખાતેદારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.