Friday, August 14, 2026
Homeરાજ્યજામનગરએસ્ટેટ શાખાના કર્મચારી અને સ્ટાફ સાથે ગાળાગાળી અને ધમકી

એસ્ટેટ શાખાના કર્મચારી અને સ્ટાફ સાથે ગાળાગાળી અને ધમકી

જામનગર શહેરમાં માંડવી ટાવરથી બર્ધનચોક તરફના રોડ ઉપર જુમ્મા મસ્જિદની પાછળની શેરીમાં એસ્ટેટ શાખા દ્વારા દબાણ કરેલો સામાન હટાવવા જતાં સમયે બે શખ્સોએ મહાનગરપાલિકાના કર્મચારી અને તેમની ટીમ સાથે ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બર્ધન ચોક તથા આજુબાજુના વિસ્તારમાં ફૂટપાથ અને પથારાવાળાઓ વરસોથી દબાણ કરી કબ્જો જમાવી બેઠા છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા માંડવી ટાવરથી બર્ધન ચોક સુધીના રોડ ઉપર જુમ્મા મસ્જિદની પાછળની શેરીમાં ગઇકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ દબાણ હટાવ કામગીરી કમલેશભાઇ ગોવિંદભાઇ ગઢવી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન દબાણયુક્ત સામાન દૂર કરતા હતા ત્યારે રાજુ ઉર્ફે શાહરૂખ સિંધી અને તેનો પુત્ર તથા મનિષ નામના શખ્સોએ મહાનગરપાલિકાના કર્મચારી અને સ્ટાફ સાથે બોલાચાલી અને ઝઘડો કરી જાહેરમાં અપમાનિત કરવાના ઇરાદે જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને કર્મચારી તથા સ્ટાફને “અહીં બર્ધન ચોકમાં ફરી વાર દેખાતાં નહીં. હું સિંધી છું. કઇંક કરી નાંખીશ. તમે બધાંને ખોટાં કેસમાં ફસાવી દઇશ.” તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.

એસ્ટેટ શાખાના કર્મચારી અને સ્ટાફ સાથે માથાકૂટ અને ધમકી આપ્યાના બનાવ બાદ કર્મચારી કમલેશભાઇ દ્વારા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular