લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા સર્વેયર યુવાન નવરાત્રિ નીમિતે તેના મોટાબાપુજીની વાડીએ આવેલા મંદિરમાં ડેકોરેશન કરતો હતો તે દરમ્યાન વીજ વાયરને અડી જતાં વીજશોક લાગતા મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના સણોસરી ગામના વાડી વિસ્તારમાં રહેતા ધર્મેશભાઇ સોમાભાઇ ડાંગર ઉ.વર્ષ 27 નામનો યુવાન રિલાયન્સ કંપનીમાં સર્વેયર તરીકે ફરજ બજાવે છે. દરમ્યાન રવિવારે સાંજના સમયે નવરાત્રિનો ઉત્સવના પ્રારંભ પૂર્વે તેના મોટાબાપુજી ભીખાભાઇ ડાંગરની વાડીએ આવેલા મામાદેવના મંદિરને લાઇટીંગથી શણગારવા માટે સિરીઝ ગોઠવતો હતો ત્યારે સીરીઝ ખીજડાના ઝાડ પર ફેંકતા સીરીઝ ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી જતાં વીજ શોક લાગતા બે શુધ્ધ થઇ ગયો હતો. યુવાનને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પીતા સોમભાઇ દ્વારા જાણ કરાતાં એ.એસ.આઇ. કે.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.