Monday, August 3, 2026
Homeરાજ્યહાલારજન્માષ્ટમી પૂર્વે દ્વારકામાં દબાણો દૂર કરતું તંત્ર

જન્માષ્ટમી પૂર્વે દ્વારકામાં દબાણો દૂર કરતું તંત્ર

હાથી ગેટ અને રૂક્ષ્મણિ મંદિર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવા કાર્યવાહી

આગામી જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. રવિવારે વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથી ગેટ તેમજ રૂક્ષ્મણી મંદિર તરફ જતાં માર્ગ પર સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ડિમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેસીબી અને બુલડોઝરની મદદથી વિવિધ દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જન્માષ્ટમી દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડતા હોય છે. આવી સ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને યાત્રાળુઓને અવરજવરમાં સરળતા રહે તે માટે અગાઉથી જ આયોજનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. દબાણોને કારણે માર્ગો સાંકડા બનતા વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતી હતી.

આ ડિમોલીશન કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત રાખવામાં આવ્યું હતું, જેથી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે. સ્થળ પર અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા હતા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

- Advertisement -

દ્વારકાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે સરકારી જમીન પરના ગેરકાયદે કબજાઓ સામે તંત્રની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે. જ્યાં પણ દબાણો જોવા મળશે ત્યાં નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ દ્વારકા વિસ્તારમાં માર્ગની સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હવે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ગેરકાયદે કબજેદારોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ કાર્યમાં એસ.ડી.એમ. હિમાંશુ ચૌહાણ, પી.આઈ. જાડેજા, પી.એસ.આઈ. ચોપડા સહિતનો પોલીસ કાફલો સાથે રહી આ ડિમોલીશન કાર્ય પૂર્ણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular