Tuesday, November 12, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા નજીકની ચાર ગ્રામ પંચાયતોને પાલિકા વિસ્તારમાં ભેળવવા બેઠક

ખંભાળિયા નજીકની ચાર ગ્રામ પંચાયતોને પાલિકા વિસ્તારમાં ભેળવવા બેઠક

ચીફ ઓફિસરના વડપણ હેઠળ વિવિધ મુદ્દે મહત્વની ચર્ચાઓ કરાઈ

- Advertisement -

ખંભાળિયા શહેરએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીંની નગરપાલિકા હાલ સી ગ્રેડની બની રહી છે. ત્યારે ખંભાળિયા શહેરનો મહત્તમ વિકાસ થાય અને સરકાર તરફથી નિયમોને આધીન મહત્તમ ગ્રાન્ટ મળી રહે તે માટે શહેરને સંલગ્ન એવા નજીકના ચાર ગ્રામ પંચાયત વિસ્તારો પાલિકામાં ભેળવવા માટે થઈ રહેલી તજવીજને અનુલક્ષીને ગઈકાલે નગરપાલિકામાં મહત્વની મીટીંગ યોજાઇ હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરના વડપણ હેઠળ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો વિગેરેની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

હાલ ખંભાળિયા નગરપાલિકાનો શહેરી વિસ્તાર ભૌગોલિક રીતે ખૂબ જ નાનો હોય, અહીં લોકોની વિવિધ સુવિધાઓ તેમજ વધારવા માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ખંભાળિયા શહેરને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાવીને વિકાસના વેગ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ વચ્ચે સી-ગ્રેડની નગરપાલિકા બી-ગ્રેડમાં આવે અને ભવિષ્યમાં અહીં મળતી ગ્રાન્ટમાં વધારો થવાના કારણે ખંભાળિયા શહેર સાથે સંલગ્ન નજીકના એવા ચાર મોટી ગ્રામ પંચાયતના વિસ્તારનો પણ લાઈટ, પાણી, રસ્તા, સાફ-સફાઈ સહિતની બાબતે સગવડો સાથેનો વિકાસ થાય તે હેતુથી આ ચાર ગ્રામ પંચાયતોને નગરપાલિકાના શહેરી વિસ્તારમાં ભેળવવા માટેના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ખંભાળિયા શહેરને સંલગ્ન આવેલી એવી શક્તિનગર, ધરમપુર, હર્ષદપુર અને રામનગર ગ્રામ પંચાયતના વિસ્તારોને શહેરમાં ભેળવીને નગરપાલિકાનો વિસ્તાર વધે તે હેતુથી ગુરુવારે નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ભરત વ્યાસ તેમજ નગરપાલિકાના ઇજનેર એન.આર. નંદાણીયા દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વની બેઠકમાં તમામ ચાર ગ્રામ પંચાયતોના સરપંચ, તલાટી મંત્રી, જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો વિગેરે દ્વારા ઉપરોક્ત તમામ ચાર ગ્રામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવે તે મુદ્દે વિવિધ બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં ચીફ ઓફિસર ભરત વ્યાસ દ્વારા આ અંગેની વિગતો નકશા તેમજ જરૂરી પેપર વર્ક સાથે રજૂ કરી, ચર્ચાઓ કરાઈ હતી. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ પ્રક્રિયાને હવે વેગ મળ્યો છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આ અંગે કોઈ નક્કર પરિણામો આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના છેવાડાના તેમજ ઓછા વિકસિત એવા ઓખા મંડળની નગરપાલિકા બી-ગ્રેડની છે. જેને સરકાર દ્વારા ખંભાળિયા કરતા વધુ ગ્રાન્ટ સહિતના લાભો મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular