જામનગર જિલ્લાના મોટીખાવડી ગામમાં એસઓજીની ટીમે મૂળ પશ્ર્ચિમ બંગાળના વતની અને હાલ જામનગરમાં રહેતાં બોગસ તબીબને મોટી ખાવડીમાંથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અવાર-નવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને પોલીસ રેઈડ દરમિયાન ઝડપી લે છે અને કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં એક શખ્સ બોગસ તબીબ તરીકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની એસઓજીના મયુદીન સૈયદ, અરજણ કોડીયાતર, ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજી પીઆઈ બી.એન.ચૌધરી તથા પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી દર્દીઓને તપાસી દવાઓ આપતા પશ્ર્ચિમ બંગાળના નદીયા જિલ્લાના ક્રિષ્નગર શહેરના વતની અને હાલ જામનગરમાં પ્રગતિ સોસાયટીમાં વિશાલ હોટલની બાજુમાં રહેતાં દિપકકુમાર દુલાલચંદ્ર શાહ નામના બોગસ તબીબને રૂા.1662 ની જુદી જુદી કંપનીની દવાઓ, ઈન્જેકશન, બીપી માપવાનું મશીન અને સ્ટેથોસ્કોપ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.