જામનગર શહેરમાં બેડી ગેઈટ પાસે આવેલા વાણંદ શેરીમાં રહેતાં પ્રૌઢ લીમડાલાઈનમાંથી રાત્રિના સમયે ચાલીને તેના ઘર તરફ જતાં હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી ગેઈટ પાસે આવેલી વાણંદ શેરીમાં રહેતા પ્રવિણચંદ્ર ચુડાસમા નામના પ્રૌઢ ગુરૂવારે રાત્રિના સમયે લીમડાલાઈનમાંથી ચાલીને તેના ઘર તરફ જતા હતા ત્યારે પેરેડાઈઝ હેરસલૂન સામે પહોંચતા પુરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર દિપેન ચુડાસમા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ. એમ. રાદડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.