દ્વારકા પંથકના સીમ વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરમાં આજથી આશરે ચાર વર્ષ પહેલા રાત્રિના સમયે ત્રાટકેલા ચાર શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવવાના બનાવમાં દ્વારકાની અદાલતે એક આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા તાબેના વસઈ ગામની સીમમાં રહેતા એક પરિવારના સદસ્યો આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે રાત્રિના સમયે સુતા હતા ત્યારે, આશરે બે વાગ્યાના સુમારે તેમના મકાનમાં બુકાની બાંધીને આવેલા પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ પરિવારના એક પુરુષને બેફામ માર મારી, છરી દેખાડી, રાડારાડ કર્યા વગર મહિલાઓને પોતે પહેરેલા દાગીના આપી દેવા જણાવ્યું હતું. જેથી ડરી ગયેલા મહિલાએ ચાંદીના કડલા, સોનાના ઠોળીયા, ચાંદીના કડા સોનાના પાટલા સહિતના જુદા-જુદા દાગીનાઓ ઉતરાવી અને લઈ લીધા બાદ ઘરના એક ડબ્બામાં રાખવામાં આવેલા દોઢ લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન, સહિતના મુદામાલ લૂંટ ચલાવી હતી
આટલું જ નહી, આ સ્થળે ચલાવ્યા બાદ તેમના ઘરની બાજુમાં રહેતા એક મહિલાના ઘરે અને ત્યારબાદ વઘુ એક ઘરમાં લૂંટારાઓએ રોકડ રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી અંધારામાં અલોપ થઈ ગયા હતા.
આ પ્રકરણ અંગે ભોગ બનનાર પરિવારના એક મહિલાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કુલ રૂપિયા 3,43,000 ની ધાડ સંદર્ભે બુકાનીધારી એવા પાંચ અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધી હતી. આ અંગેની તપાસમાં પોલીસે માળીયાહાટીના તરફના રહીશ ધારશી ચકુ વાઘેલા નામના એક શખ્સની ધરપકડ કરી હતી.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે આ બનાવની તપાસમાં ઝડપાયેલા કેટલાક શખ્સો શંકાનો લાભ લઈને છૂટી ગયા હતા. જ્યારે આરોપી ધારશી ચકુ વાઘેલા સામે દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતમાં રજૂ કરવામાં આવેલા ચાર્જશીટ બાદ આ અંગેનો કેસ ચાલી જતાં સરકારી વકીલ એલ.આર. ચાવડાની દલીલોને ધ્યાને લઈ, અદાલતે લૂંટના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા જ્યારે મારી નાખવાની ધમકી આપવા સબબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા તેર હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.