જામનગર શહેરમાં આવેલી વાસાવીરા સોસાયટીમાં રહેતાં અને ખાનગી સર્વેયર કન્ટ્રકશનનો વ્યવસાય કરતાં યુવાનના બંધ મકાનનું અજાણ્યા તસ્કરો તાળા તોડી કબાટમાંથી 25 હજારની રોકડ અને 21.76 લાખની કિંમતનું 22 તોલા સોનું ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
લાખોની કિંમતના સોનાના દાગીના તથા રોકડની ચોરીના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના વતની અને હાલ જામનગર શહેરની વાસાવીરા સોસાયટી, શેરી નંબર 3માં માધવ પેલેસ એપાર્ટમેન્ટમાં રૂમ નંબર 201માં રહેતાં અને ખાનગી સર્વેયર તથા કન્ટ્રકસન વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલભાઇ મશરીભાઇ છુછર (ઉ.વ.25) નામના યુવાનના બંધ મકાનમાં ગઇકાલે સવારના સાડા દસ વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધીના બંધ રહેલા મકાનના દરવાજાને અજાણ્યા તસ્કરોએ તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રહેલા કબાટનું લોક તોડી અંદરના ખાનાના લોક તોડી તેમાંથી રૂા. 21,76,900ની કિંમતના 22 તોલા 85 ગ્રામ વજનના સોનાના દાગીના અને રૂા. 25 હજારની રોકડ રકમ તથા રૂા. 2500ની કિંમતનું ખોટું મંગળસૂત્ર મળી કુલ રૂા. 22,04,400ની માલમત્તા ચોરી કરી ગયા હતા.
View this post on Instagram
ઘરે પરત ફરેલા સર્વેયરને ઘરમાં ચોરી થયાની જાણ થતાં આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.


