જામનગરના માર્કેટિંગ યાર્ડમાં ચાલુ મગફળીની સિઝન દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે. મગફળીના ઊંચા બજારભાવ મળતા જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ પોતાની જણસી વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડ તરફ વળી રહ્યા છે. પરિણામે યાર્ડમાં મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવાર સુધી મગફળીની આવક માટે યાર્ડ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન મગફળી ભરેલા કુલ 425 વાહનો યાર્ડમાં પહોંચ્યા હતા. તમામ વાહનોને યાર્ડની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને અંદાજે 29 હજારથી વધુ ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. ચાલુ સિઝનની આ સૌથી વધુ આવક હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર ઉપરાંત મોરબી, કેશોદ, દેવભૂમિ દ્વારકા અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી ખેડૂતો નવ નંબર અને 66 નંબરની મગફળી લઈને હાપા યાર્ડમાં પહોંચ્યા હતા. બીજી તરફ, હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને નવ નંબર મગફળીનો પ્રતિ મણ રૂ. 2,805નો ભાવ મળ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ હોવાનું જણાવાયું છે. જ્યારે 66 નંબર મગફળીના પ્રતિ મણ રૂ. 2,600થી રૂ. 2,700 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.
View this post on Instagram
હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ 425 વાહનોમાં આવેલી મગફળીનો જથ્થો હરાજી મારફતે વેચાણ કરવામાં અંદાજે 3થી 4 દિવસનો સમય લાગે તેમ હોવાથી યાર્ડ સત્તાધીશો દ્વારા આજ સવારથી મગફળીની નવી આવક હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ યાર્ડમાં આવેલા મગફળીના જથ્થાની હરાજી અને વેચાણ પૂર્ણ થયા બાદ ફરીથી જાહેરાત કરીને નવી આવક શરૂ કરવામાં આવશે. આમ, મગફળીના વિક્રમી ભાવ અને બમ્પર આવકને કારણે હાપા માર્કેટિંગ યાર્ડ હાલ ખેડૂતો અને વેપારીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


